કોરોના કહેર : અમેરિકામાં રેકોર્ડ ડેથ, એક દિવસમાં ૨૯૫૭ લોકોનાં મૃત્યુ…

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડનું સંક્રમણથી નિધન…

અમેરિકામાં એપ્રિલ પછી એક દિવસમાં સૌથી વધુ મોત…

USA : વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૬.૪૮ કરોડને પાર પહોંચી ગયો છે. ૪ કરોડ ૪૯ લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં ૧૪ લાખ ૯૮ હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકામાં એપ્રિલ પછી વધુ એક વખત એક દિવસમાં ૨૯૫૭ લોકોનાં મૃત્યુ થયાં છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડ ડિઅસ્ટેંગનું સંક્રમણથી નિધન થઈ ગયું છે. તેઓ ૯૪ વર્ષના હતા. ઈન્ટરપોલે તમામ દેશોને ચેતવણી આપી છે, એમાં નકલી વેક્સિનથી પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડ ડિએસ્ટેંગનું કોરોના વાઈરસથી સંક્રમિત થયા પછી નિધન થયું છે. ૯૪ વર્ષના વેલેરી યુરોપીય દેશોને એક કરવા માટે જાણીતા છે. અમેરિકામાં બુધવારે સંક્રમણથી ૨ હજાર ૯૫૭ લોકોનાં મોત થયાં છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, એ ૧૫ એપ્રિલ પછી એક જ દિવસમાં થનારાં સૌથી વધુ મૃત્યુ છે. ૧૫ એપ્રિલે એક દિવસમાં કુલ ૨ હજાર ૬૦૭ લોકોનાં મોત થયાં હતાં.
ઈન્ટરપોલે બુધવારે રાતે એક ગ્લોબલ એલર્ટ બહાર પાડ્યું છે. એમાં તમામ દેશોને કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ના સમયમાં કેટલાક લોકો સંગઠિત અપરાધમાં સામેલ થઈ રહ્યા છે અને તેઓ નકલી કોરોના વેક્સિન સપ્લાઈ કરી શકે છે. પેરિસ મુખ્યાલયમાંથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એજન્સીએ કહ્યું હતું કે તેણે આ અંગે ૧૯૪ દેશને એલર્ટ કર્યા છે. એમાં કહેવામાં આવ્યું છે કે લોકો સુધી નકલી વેક્સિન ન પહોંચે એની તકેદારી રાખવામાં આવે.
બ્રાઝિલ કોવિડ-૧૯ને રોકવા માટે કોવિડ વેક્સિનના ઈમર્જન્સી યુઝને મંજૂરી આપે તેવી શકયતા છે. દેશના હેલ્થ રેગ્યુલેટર અનવિસાએ બુધવારે આ માહિતી આપી છે. અનવિસાએ કહ્યું હતું કે તે આ અંગે તમામ સરકારી એજન્સીઓ અને હેલ્થ મિનિસ્ટ્રીના સંપર્કમાં છે. એજન્સીએ કહ્યું હતું- અમે હાલ તમામ કેસ પર નજર રાખી રહ્યા છે અને અમારા ત્યાં વેક્સિનની ટ્રાયલ્સ પણ અંતિમ તબક્કામાં છે. જોકે અમારી પાસે અત્યારસુધીમાં અપ્રૂવલની કોઈ અરજી આવી નથી.

  • Naren Patel