કોરોનાકાળમાં કીર્તિદાનથી લઈ કિંજલ દવે સહિતનાં લોકગાયકો કરશે ઓનલાઇન રાસોત્સવ…

ગાંધીનગર : કોરોનાની મહામારી વચ્ચે આજથી શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ એ માટે સરકારે આ વર્ષે ગરબા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.ત્યારે ગુજરાતના જાણીતા ગાયક કલાકારો નવરાત્રિ પર્વની ઓનલાઈન ઉજવણી કરવા થનગની રહ્યા છે.આ ગાયકો ઓનલાઈન ગરબા ગાશે અને ખેલૈયાઓ ઘરમાં ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરશે. ઘરમાં માતાજીની સ્થાપના સાથે ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમશે. આ વર્ષે કીર્તિદાન ગઢવીથી લઈને કિંજલ દવે સહિતનાં ગાયકો ઓનલાઈન ગરબા ગાતાં જોવા મળશે. તેઓ યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ગરબા લાઈવ કરશે. જોકે કિંજલ દવે ૮મા નોરતે લાઈવ ગરબા ગાશે. જ્યારે મ્યુઝિક ગ્રુપ ચલાવતા વડોદરાના ડો.તુષાર ભોંસલે પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનાં ૮૦૦ બાળકોને ઈન્ડિવિઝ્યુલ ઓનલાઈન ગરબા કરાવશે, જેમાં ૮૦ જેટલા શિક્ષકો ઓનલાઈન ભણાવતા હોય એ રીતે ગરબા કરાવશે. બાળકો ઘરે તૈયાર થઈ ઈન્ડિવિઝ્યુલ ગરબા રમશે.

રાજકોટ શહેરમાં ૨૦ વર્ષથી નવરાત્રિનું આયોજન કરતા સહિયર ગ્રુપે આ વર્ષે એક્ચ્યુઅલ નહીં, પરંતુ વર્ચ્યુઅલ નવરાત્રિ યોજવાનું આયોજન કર્યું છે, જેમાં ખેલૈયાઓ અને લોકો ઘેરબેઠાં પોતાના માનીતા ગાયકોના ગરબા સાંભળી શકશે અને ઓરકેસ્ટ્રાના તાલે ઝૂમી ઊઠશે. સહિયર ગ્રુપના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોઈ ખેલૈયા કે પ્રેક્ષકોને નિમંત્રિત કર્યા વિના એક જ સ્થળેથી રોજેરોજ મા અંબાની આરતી અને ગરબા નામાંકિત કલાકારો રજૂ કરશે અને લોકો સહિયર રાસોત્સવની યુ-ટ્યૂબ ચેનલ પર અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન કરાશે. લોકો ઘેરબેઠાં નવરાત્રિ માણી પણ શકશે અને ગરબા રમી પણ શકશે. કલાકારો તેજસ શિશાંગિયા,રાહુલ મેહતા, સાજીદ ખ્યાર,ચાર્મી રાઠોડ સૂર રેલાવશે.