કોઇ ઘાટીમાં શાંતિ ભંગ કરશે તો તેને ખત્મ કરી દેવાશે : ભારતીય સેના

ન્યુ દિલ્હી,
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવતા જ ગિન્નાયેલા પાકિસ્તાન એકબાજુ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો ખત્મ કરવામાં લાગ્યું છે, ત્યાં ગુપ્તચર એજન્સીઓએ પણ એલર્ટ જાહેર કર્યું છે કે પાકિસ્તાન પ્રાયોજીત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારતમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રમાં છે.
પાકિસ્તાન કે તેની સેનાની તરફથી કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાને લઇ કરાયેલા પ્રયાસોની પ્રબળ આશંકાને જોતા ભારતીય સેના એ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાનની તરફથી ઘાટીમાં કોઇપણ શાંતિ ભંગ કરવા માટે આવશે તો અમે તેને ખત્મ કરી દઇશું. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ કમાન્ડર, લેફ્ટિનેંટ જનરલ કંવલજીત સિંહ ઢિલ્લોને આ ચેતવણી આપી હતી.
ચિનાર કૉર્પ્સની તરફથી ટિ્‌વટર પર પોસ્ટ કરાયેલા આ એક વીડિયોમાં જનરલ કંવલજીત સિંહ ઢિલ્લોને કહ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન સેના હંમેશાથી કાશ્મીર ઘાટીમાં શાંતિ ભંગ કરતું રહ્યું છે. કાશ્મીરમાં કેટલીક ઘટનાઓને લઇ તાજેતરમાં જ પાકિસ્તાને ખુલ્લેઆમ ધમકી પણ આપી દીધી છે. તેમ છતાંય આપણે આ તમામનું ધ્યાન રાખીશું. જો કોઇ ઘાટીમાં શાંતિ ભંગ કરવાની કોશિષ કરવા માટે આવે છે તો અમે તેને ખત્મ કરી દઇશું.