કોંગ્રેસ અને સરકાર સુપ્રીમ સાથે સંતાકુકડી કેમ રમી રહી છે : CJI રંજન ગોગોઇ

રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. કેન્દ્ર સરકારે સોગંદનામા માટે વધારે સમયની માગ કરતા સુપ્રીમ કોર્ટ વીફર્યું હતું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું હતું કે, આ સંબંધે આદેશ બહાર પાડવામાં આવશે. આ દરમિયાન મેંશનિંગમાં નામ ન લેવાને કારણે CJI નારાજ થયા હતા અને તેમણે કેન્દ્ર સરકારના વકીલને આડે હાથ લીધા હતા. આની સાથે PM નરેન્દ્ર મોદી અને અમિત શાહના કથિત આચારસંહિતા મામલે અભિષેક મનુ સિંઘવીને પણ CJI રંજન ગોગોઇએ આડે હાથ લીધા હતા. CJI રંજન ગોગોઇએ કહ્યું કે તમે બધા કોર્ટ સાથે સંતાકુકડી કેમ રમી રહ્યાં છો?

CJIએ કહ્યું કે કેન્દ્ર સરકારના વકીલ કહી રહ્યાં છે કે જવાબી સોગંદનામું દાખલ કરવા ઇચ્છે પરંતુ એ નથી બતાવી રહ્યાં કે તેઓ રાફેલ મામલે સોગંદનામું દાખલ કરવા માગે છે. તેથી તેમને વધારે સમય જોઇએ અને તેથી સુનાવણી ટાળવા માગે છે. તેમણે કહેવું જોઇએ કે મંગળવારે બે વાગ્યે રાફેલ મામલે જવાબી સોગંદનામું દાખલ કરવા ઇચ્છે છે.

આ જ રીતે સિંઘવી પણ PM મોદી અને અમિત શાહનું નામ નથી લઇ રહ્યાં. તમારે આ બધું બંધ કરવું જોઇએ. કોર્ટની સાથે સંતાકુકડીની રમત બંધ કરવી જોઇએ.

PM મોદી અને અમિત શાહ સામે કથિત રીતે આચારસંહિતાના ઉલ્લંઘન મામલે કાર્યવાહી ન કરવા પર ચૂંટણી પંચ સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી છે, કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, PM મોદી અને અમિત શાહ સામે 24 કલાકમાં નિર્ણય કરવાનો નિર્દેશ આપવો જોઇએ.