કોંગ્રેસનું ગુજરાતમાં આ પ્રકારે પતન થવું લોકતંત્ર માટે યોગ્ય નથી : સંજય રાઉત

11

મુંબઇ : ગુજરાત મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ શિવેસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. રાઉતે જણાવ્યું કે, સુરતમાં આમ આદમી પાર્ટીની જીત ચોંકાવનારી છે. હવે કોંગ્રેસને વિચારવું પડશે. આટલું જ નહીં, આપણે સૌ કોઈએ ગુજરાત મનપાની ચૂંટણીના પરિણામને લઈને વિચારવાની જરૂરત છે.
કોંગ્રેસ જેવી જૂની પાર્ટીને ગુજરાત અને અન્ય રાજ્યોની જનતાએ નકારી છે. કોંગ્રેસનું આ પ્રકારે પતન થવું લોકતંત્ર માટે શુભ સંકેત નથી. કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દા પર આત્મમંથન કરવાની જરૂરત છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ સંજય રાઉત સતત ભાજપને આડેહાથ લેતા આવ્યા છે. જો કે ભાજપ શાસિત રાજ્યમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા બાદ તેમણે ચિંતા વ્યક્ત કરી છે. આજ કારણે તેમણે વિપક્ષી નેતાઓને નવેસરથી રાજકીય રણનીતિ પર આગળ વધવાની સલાહ આપી છે.