કોંગ્રેસના ધારાસભ્ય સમૂહ લગ્નની કંકોત્રીમાં ભાજપના ધારાસભ્યનું નામ જોઈને ભડક્યા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન પૂર્ણ થઇ ગયા પછી પણ નેતાઓમાં એકબીજા પક્ષના નેતાઓ સામે રોષ હોય તેવું લાગી રહ્યું છે અને નેતાઓ હવે પોતાનો રોષ સામાજિક કાર્યક્રમોમાં પણ બતાવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, મહેસાણાના કડી ખાતે યોજાયેલા સમુહ લગ્નની કંકોત્રીમાં ધારાસભ્યના નામને લઈને વિવાદ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર કંકોત્રીમાં ભાજપના ધારાસભ્ય જુગલજી ઠાકોરનું નામ જોઈને નારાજ થઈ ગયા અને તેમણે સ્ટેજ પરથી જ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર સામે રોષ વ્યકત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, મહેસાણાના કડી તાલુકાના ફતેપુરા નજીક રાખડીયા ગામે ઠાકોર સમાજના તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જોકે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સ્ટેજ પરથી જ લગ્નની પત્રિકાને લઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કડીના કેટલા કોંગ્રેસના આગેવાનો છે, તેમના નામ લખવામાં આવ્યા નથી ઉપરાંત જે ઠાકોર સમાજના બે ભાગલા પડાવી રહ્યા છે, તેવા વ્યક્તિઓના નામ આ પત્રિકામાં લખવામાં આવ્યા છે

ધારાસભ્ય ભરતજી ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કડી તાલુકામાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા અમારા સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં અમારા સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પધાર્યા હતા. કંકોત્રીમાં છોકરાઓથી કંઈક નામમાં ભૂલ થઈ હતી એના કારણે અમારા હાલના ધારાસભ્ય બળદેવજીએ એવું કહ્યું કે કોને પૂછીને નામ લખ્યું એટલે નામ લખવામાં છોકરાઓની ભૂલ હતી એટલે રાજકીય કે સામાજિક તકરાર હતી નહીં.

ભરતજી ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, સમૂહ લગ્નની અંદર રાજકીય તમામ પાર્ટીના નેતાઓને બોલાવવામાં આવે છે, સમાજના આગેવાનોને બોલાવવામાં આવે છે. એટલે એવી કોઈ પ્રકારની તકરાર હતી નહીં એટલા માટે આ વાતમાં કોઇ તથ્ય નથી અને પાયાવિહોણી વાત છે.