કેફે કોફી ડેના માલિક વીજી સિદ્ધાર્થ એકાએક લાપતા થતા ચકચાર…

કેફે કોફી ડે કંપની પર ૭ હજાર કરોડનું દેવુ હોવાથી ગુમ થયા હોવાની ચર્ચા…

ઉદ્યોગસાહસિક તરીકે હું નિષ્ફળ ગયો,કોઈને છેતરવાનો ઇરાદો નહોતોઃ કર્મચારીઓને ભાવુક પત્ર લખ્યો,વી જી સિદ્ધાર્થે પત્રમાં લેણદારોનું દબાણ, પૂર્વ આઈટી ડીજી દ્વારા કનડગત કરાતી હોવાનો ઘટસ્ફોટ કર્યો…

બેંગ્લુરુ,
કેફે કોફી ડે (CCD) પ્રસિદ્ધ કાફેના માલિક વી જી સિદ્ધાર્થ એકાંએક લાપતાં થયાં છે. કેફે કોફી ડે કંપની પર ૭ હજાર કરોડનું દેવું હોવાથી ગુમ થયા હોવાની વાત છે. જો કે વી જી સિદ્ધાર્થે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. વી જી સિદ્ધાર્થી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશમંત્રી એમ એસ કૃષ્ણાના જમાઈ છે. સિદ્ધાર્થ મેંગલોર નજીકની નદી પાસે લાપતાં છે પોલીસ સહિતની તંત્રની ટીમ તેને શોધી રહી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ એમએસ કૃષ્ણાના આવાસ પર પહોંચ્યા હતા.
નેત્રાવતી નદીમાં NDRF અને કોસ્ટ ગાર્ડની સાથે મરજીવાઓની ટીમ દ્વારા પણ સિદ્ધાર્થની શોધ કરવામાં આવી રહી છે જોકે, હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. મેંગ્લોર પોર્ટ અને નદીના મુખ પાસે આ ટીમો હોવરક્રાફ્ટ (H-૧૯૮) સાથે તપાસ કરી રહી છે. આ ટીમોમાં ૩ મરજીવાઓની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ ગુમ થયા પહેલા સિદ્ધાર્થે પોતાના સીએફઓ સાથે ફોન પર વાત કરી હતી. એક મળતી જાણકારી મુજબ કોફી કેફે ડે પર ૭ હજાર કરોડની લોન છે. પોલીસને શંકા છે કે લોનના કારણે સિદ્ધાર્થે આત્મહત્યા કરી લીધી હોય.
મેંગલુરૂ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે સિદ્ધાર્થ બેંગલુરૂથી એમ કહી નીકળ્યા હતા કે તેઓ સકલેશપુર જઇ રહ્યાં છે, પરંતુ રસ્તામાં પોતાના ડ્રાઇવરને મેંગલુરૂ જવાનું કહ્યું. આમ રસ્તામાં નેત્રાવતી નદીના પૂલ પર પહોંચીને સિદ્ધાર્થ કારમાંથી ઉત્તરીને પોતાના ડ્રાઇવરને જવા કહ્યું હતું.
સિદ્ધાર્થે છેલ્લે પોતાના સીએફઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ સિદ્ધાર્થનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઇ ગયો. સિદ્ધાર્થ જે જગ્યા પરથી ગુમ થઇ ગયા હતા ત્યાં એક નદી છે, પોલીસ હાલમાં ત્યાં સર્ચ ઓપરેશન કરી રહી છે.