કેજરીવાલની વિદ્યાર્થીઓને મોટી ગિફ્ટ, ગરીબ બાળકોને ૧૦૦% સ્કોલરશિપ

દિલ્હી સરકાર સીબીએસઇ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી પરીક્ષા ફી ચૂકવશે…

ન્યુ દિલ્હી,
દિલ્હી સરકારે સરકારી શાળાનાં વિદ્યાર્થીઓ માટે મોટું એલાન કર્યું છે. દિલ્હી સરકાર આવતાં વર્ષથી પોતાની સ્કૂલોમાં સીબીએસઈ દ્વારા વિદ્યાર્થીઓ પાસે લેવાતી પરીક્ષાની ફીની ચૂકવણી કરશે. શનિવારે એક કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ એલાન કર્યું હતું. ધોરણ ૧૨ની બોર્ડ પરિક્ષામાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનાં સન્માન માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

તો ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું કે, ઉચ્ચ ગુણવત્તા શિક્ષા સુધીની પહોંચ તમામ બાળકોનો અધિકાર છે. સરકાર વિદ્યાર્થીઓની પરીક્ષા ફીની ચૂકવણી કરશે. ટૂંક સમયમાં જ સરકાર નીટ અને જેઈઈ માટે વિદ્યાર્થિનીઓ માટે કોચિંગની વ્યવસ્થા કરશે. તેઓએ કહ્યું કે ૮૦ ટકા કે તેનાથી વધારે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ વધારીને ૨૫૦૦ રૂપિયા કરી દેવાઈ છે. અને પરિવારની કમાણીનો નિયમ પણ હટાવી દીધો છે.

દિલ્હી સરકારે વિદ્યાર્થિનીઓ અને તેમના અભિભાવકોને સન્માનિત કરવા માટે ત્યાગરાજ સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં લગભગ ૧૦૦૦ વિદ્યારથીઓ અને તેમના પરિવાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓનાં શિક્ષકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.