કેજરીવાલજી દિલ્હીની જનતા ૧૫ લાખ સીસીટીવી કેમેરા શોધી રહી છે : અમિત શાહ

15

કેજરીવાલે પાંચ વર્ષ કંઇ નથી કર્યું,દિલ્હીમાં અમારી જ સરકાર બનશે…

દિલ્હીની જનતા મોદીજીની સાથે,રાહુલ-પ્રિયંકા દેશના લઘુમતીઓને ભ્રમિત કરી રહ્યા છે…

ન્યુ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે દિલ્હીની કેજરીવાલ સરકાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં. ગૃહ મંત્રી દિલ્હીના તુગલકાબાદના એમબી રોડ પર દિલ્હી સાઈકલ વોકનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતાં. અમિત શાહે કહ્યું કે આ કોરિડોર બનતા જ દિલ્હીના પ્રદૂષણમાં ૨૦ ટકાનો ઘટાડો થશે. ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે દિલ્હીના આ નવા રસ્તા પર ૫૦ લાખથી વધુ મુસાફરો સાઈકલ પર જતા હશે ત્યારે સાઈકલ ચલાવવી એ જ ફેશન બનશે.
અમિત શાહે કહ્યું કે આજે હું દિલ્હીની ઝૂપડપટ્ટીઓમાં રહેતા લોકોને કહેવા માંગુ છું કે તમે ચિંતા ન કરો. જ્યાં ઝૂપડપટ્ટી છે ત્યાં મકાન આપવાનું કામ નરેન્દ્ર મોદીજી કરવાના છે. એક પાઈલટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ ગયો છે. ૨૦ હજાર ઝૂપડાવાળાઓને મકાન આપવાની શરૂઆત થઈ ગઈ છે.
ગૃહ મંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરતા કહ્યું કે કેજરીવાલ સરકારે પોતાનું વચન પૂરું કર્યું નહીં. કેજરીવાલજી તમે દિલ્હીમાં ૧૫ લાખ સીસીટીવી કેમેરા લગાવવાનું કહ્યું હતું જેને આજે પણ દિલ્હીની જનતા શોધી રહી છે. કેજરીવાલે દિલ્હીના લોકોને પીવા માટે ઝેરી પાણી આપ્યું. દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીનું ઘોષણા પત્ર ફેંકી દેવું જોઈએ. દિલ્હીમાં ભાજપની જ સરકાર બનશે.
અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં પાંચ વર્ષની જગ્યાએ પાંચ મહિનાની સરકાર ચાલી. પાંચ મહિનામાં કેજરીવાલની સરકારે કશું કર્યું નહીં બસ પાંચ મહિનામાં જાહેરાતો આપીને દિલ્હીની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું. એમસીડી ચૂંટણીઓમાં પણ આમ આદમીનું પત્તુ સાફ થઈ ગયું હતું.
તેમણે કહ્યું કે કેજરીવાલજી તમારા મનમાં ભય છે કે જો આયુષ્યમાન યોજના દિલ્હીમાં ચાલુ થઈ ગઈ તો દિલ્હીની જનતા અને મોદીજી વચ્ચે જોડાણ થઈ જશે. કેજરીવાલજી હું તમને જણાવી દઉ કે તમે ખોટું વિચારી રહ્યાં છો. જોડાણ થઈ ગયું છે અને દિલ્હીની જનતા મોદીજી સાથે છે.
અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દેશના લઘુમતીઓને ભ્રમિત કરી રહ્યા છે. તેઓ લોકોમાં ભ્રમણા ફેલાવી રહ્યાં છે કે નાગરિકતા કાયદાથી તમારી નાગરિકતા જતી રહેશે. નાગરિકતા કાયદા વિરુદ્ધ થયેલી હિંસા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જવાબદાર છે. અનેક દિવસો સુધી દિલ્હીમાં થયેલા રમખાણો પાછળ પણ આ લોકો જવાબદાર છે. રાહુલબાબા તમારી દરેક હરકત લોકો જોઈ રહ્યાં છે કે તમે ઉપદ્રવીઓ સાથે છો. અમે કલમ ૩૭૦ હટાવી તો પણ કોંગ્રેસને પરેશાની થઈ.