કાશ્મીરની હલચલથી પાકિસ્તાન ભયગ્રસ્ત, ઈમરાન ખાને ટ્રમ્પની મદદ માંગી…

જમ્મુ કશ્મીરમાં ભારતને પગલાં લેતાં અટકાવો, પ્લીઝ….

ઇસ્લામાબાદ,
કાશ્મીરમાં ક્ષણે-ક્ષણે બદલાઈ રહેલી પરિસ્થિતિતઓ ભારતની સાથે-સાથે પાકિસ્તાન માટે પણ ચિંતાનો વિષય બની છે. તાજેતરમાં જ અમેરિકા પ્રવાસ પરથી પરત ફરેલા પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને આ મુદ્દા પર દેશના ઉચ્ચ અધિારીઓની બેઠક બોલાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી મદદ માંગી છે.
કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનની મિલિભગતથી આતંકવાદીઓએ અમરનાથ યાત્રીઓને પોતાનો નિશાનો બનાવવાનું ષડયંત્ર બનાવ્યું હતું. આ આશંકાને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રાના સમયમાં પંદર દિવસ જેટલો ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. તેમજ કાશ્મીરમાં રહેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને તાત્કાલિક ધોરણે કાશ્મીર છોડીને ચાલ્યા જવા માટેનો આદેશ અપાઈ ગયો હતો.
આ ઘટનાક્રમો દરમિયાન ઈમરાન ખાને રવિવારે દેશના ઉચ્ચ અધિકારીઓ અને સેનાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. પાકિસ્તાની સેનાએ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરીને જીનીવા સમજૂતી અને આંતરાષ્ટ્રીય નિયોમોનો ભંગ કર્યો હોવાના આરોપો લગાવ્યા બાદ પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની આ બેઠક યોજવામાં આવી હતી. જોકે, ભારતે આ આરોપોને તદ્દન ખોટા, તેમજ પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધો છે.