કર્ણાટક : ‘યેદ્દી’એ જીત્યો વિશ્વાસ મત, સ્પીકરે આપ્યુ રાજીનામું…

હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત, ફ્લોર ટેસ્ટમાં વિપક્ષે મત વિભાજનની માંગણી ન કરી…

ર૦૭ સભ્યોવાળી વિધાનસભામાં બહુમતી માટે ૧૦૪ નો આંકડો જોઇએ ભાજપ પાસે ૧૦પ ધારાસભ્યો છે…

બેંગ્લુરુ,
કર્ણાટકની બીએસ યેદિયુરપ્પા સરકારે વિશ્વાસમત જીતી લીધો છે. આ સાથે જ હવે રાજ્યની સત્તા સંપૂર્ણ રીતે ભાજપના હાથમાં આવી ગઈ છે. કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ભાંગી પડ્યા બાદ સત્તામાં આવેલી યેદિયુરપ્પા સરકારે સોમવારે જ વિશ્વાસમત હાંસલ કરી લીધો હતો. સાથે જ મુખ્યમંત્રી બીએસ યેદિય્યુરપ્પાએ દાવો કર્યો હતો કે તેઓ આ અગ્નિપરીક્ષામાંથી પણ હેમખેમ પાર ઉતરશે જ. આજે ધ્વનિમતથી યેદિયુરપ્પાએ વિશ્વાસમત જીતી લીધો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર થયો છે અને ભાજપ સરકારે બહુમતી સાબિત કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, જ્યારે સિદ્ધારમૈયા અને કુમારસ્વામી મુખ્યમંત્રી હતા ત્યારે હું ક્યારેય બદલાના રાજકારણમાં સામેલ નથી રહ્યો. પ્રશાસનિક વ્યવસ્થાઓ નિષ્ફળ થઈ ગઈ હતી અને અમે માત્ર અધિકારો માટે લડી રહ્યા હતા. હું ક્ષમા કરવામાં વિશ્વાસ રાખું છું. વિરોધ કરનાર લોકો સાથે મારે કોઈ દુશ્મની નથી.

યેદિયુરપ્પાએ કહ્યું નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માનુ છું. રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ છે અને અમે નિર્ણય લીધો છે કે, ખેડૂતોને પીએમ કિસાન યોજનાના રૂ. ૨,૦૦૦નો હપ્તો તાત્કાલિક આપવામાં આવે. તેથી જ વિપક્ષને વિશ્વાસ મતમાં સહયોગ કરવાની અપીલ કરુ છું. કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું- અમે કુમારસ્વામીના વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચાર દિવસ ચર્ચા કરી હતી. મેં યેદિયુરપ્પાને કહ્યું હતું કે, તમે સીએમ બનશો તો શું સ્થિતિ હશે. જનતા માટે તેમની કામ કરવાની ભાવના માટે શુભેચ્છા પાઠવું છું.

વિશ્વાસ મતના એક દિવસ પહેલાં રવિવારે સ્પીકરે કોંગ્રેસ-જેડીએસના ૧૪ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા. આ પહેલાં ૨૫ જુલાઈએ પણ સ્પીકરે કાર્યવાહી કરીને ત્રણ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા. આમ, સ્પીકર અત્યાર સુધીમાં કુલ ૧૭ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે.