કરોડો હિન્દુઓની રાષ્ટ્રચેતનાને પ્રતીકરૂપે રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવાનો પુણ્યસંકલ્પ ૫ ઓગસ્ટ પૂર્ણ…!

“બોટ ક્લબની ધર્મ રેલીઓમાં દેશનો સંત સમાજ ગર્જના કરી અને આજે ગર્જનાની દહાડ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે”

પાચ ઓગસ્ટના દિવસે જ્યારે આયોધ્યમાં ભગવાન રામનું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે રામમંદિર સાથે જોડાયેલ અનેક બાબતો જોડાયેલી છે. તેનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ છે. વર્ષોથી આ નગર સૂર્યવંશના પ્રતાપી રાજાઓની રાજધાની રહ્યું છે. સૂર્યવંશ મહારાજા સગર, ભગીરથ તથા સત્યવાદી રાજા હરિશ્ર્ચંદ્રની ગૌરવશાળી પરંપરા ઇતિહાસમાં અમર છે અને આ જ મહાન પરંપરામાં શ્રીરામનો જન્મ થયો છે. પાંચ જૈન તીર્થંકરોની જન્મભૂમિ પણ અયોધ્યા છે. ગૌતમબુદ્ધની તપસ્થલી પણ અયોધ્યા છે. દત્તધાવન કુંડ અયોધ્યાની ધરોહર છે. ગુરુ નાનકે અહીં આવી શ્રીરામનું દર્શન પુણ્યસ્મરણ કર્યું છે. અહીં બ્રકુંડ ગુરુદ્વારા આવેલા છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ હોવાથી તે પવિત્ર એવી સપ્તપુરીઓમાંની એક મનાય છે. અહીંની સરયૂ નદી પરના પ્રાચીન ઘાટો સદીઓથી ભગવાન શ્રીરામનું પુણ્યસ્મરણ કરતા આવ્યા છે. માટે જ શ્રી રામજન્મભૂમિ હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે. વિશ્ર્વપ્રસિદ્ધ મ્યુઝિયમ સ્વિટર્સબર્ગ એટલસમાં વૈદિકકાલીન, મહાભારતકાલીન 8મીથી 12, 16 અને 17મી સદી સુધીના ભારતના જે નકશા સંગ્રહાયેલા છે તેમાં પણ અયોધ્યાનો એક ધાર્મિક નગરી તરીકેનો ઉલ્લેખ છે. દેશના તમામ સંપ્રદાયો માને છે કે, વાલ્મીકિ રામાયણમાં જે અયોધ્યાનું વર્ણન છે તે આ જ અયોધ્યા છે.

વર્ષોથી અયોધ્યામાં રામજન્મભૂમિ પર એક વિશાળ રામમંદિર હતું એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ મધ્યયુગમાં ઇસ્લામિક કટ્ટરવાદી આક્રમણખોર બાબરે અહીં આક્રમણ કરી મંદિરને ધ્વંશ કર્યું હતું. બાબરના જ કહેવાથી તેના સેનાપતિ મીરબાકીએ સદીઓ જૂના આ મંદિરને સ્થાને મસ્જિદ જેવી એક ઇમારતનું નિર્માણ કર્યું હતું. 1528માં આચરાયેલ આ કુકૃત્ય હિન્દુસમાજના માથે સદાસદાને માટે કલંક બની ચોંટી ગયું છે ત્યારે શ્રી રામજન્મભૂમિ પર આપણા સૌના આરાધ્યદેવ ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ આ કલંકને ધોવાનો એક માત્ર ઉપાય છે. રામમંદિરનું નિર્માણ હિન્દુસમાજમાં આસ્થા ટકાવી રાખવા તેમજ ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પાડવા માટે અતિ મહત્ત્વનું છે. રામ જન્મભૂમિને પોતાના કબજામાં લેવા માટે હિન્દુ સમાજ છેક 1528થી સતત સંઘર્ષ કરતો આવ્યો છે. ઈ. સ. 1528થી 1949 દરમિયાન આ સ્થળને પ્રાપ્ત કરવા માટે હિન્દુસમાજ દ્વારા 76 જેટલાં યુદ્ધ કરવામાં આવ્યાં છે. આ સંઘર્ષમાં ભલે હિન્દુસમાજને ધારી સફળતા નથી મળી પરંતુ એક હકીકત એ પણ છે કે આટઆટલા લાંબા સમયગાળા દરમિયાન હિન્દુસમાજે ક્યારેય હિંમત પણ હારી નથી અને આક્રમણકારીઓને ક્યારેય ચેનથી બેસવા દીધા નથી. હિન્દુસમાજ તેની પ્રત્યેક લડાઈ બાદ રામજન્મભૂમિ પર કબજો મેળવવાની દિશામાં એક ડગલું આગળ વધ્યો છે અને એમાં પણ 1934નો સંઘર્ષ જગજાહેર છે. જ્યારે અયોધ્યાવાસીઓ દ્વારા મસ્જિદ પર હુમલો કરી મસ્જિદના ઘણાખરા ભાગને નુકસાન પહોંચાડ્યું હતું. અત્યાર સુધી થયેલા આ તમામ સંઘર્ષોમાં લાખો રામભક્તોએ પોતાના સર્વસ્વની આહુતિ આપી દીધી છે.

જ્યારે  6 ડિસેમ્બર, 1992ના રોજ આ સંઘર્ષ તેના અંતિમ ચરણમાં ત્યારે પહોંચ્યો જ્યારે દેશભરમાંથી આવેલા લાખો સ્વયંસેવકોએ ગુલામીના પ્રતીક સમાન ત્રણ ગુંબજવાળી મસ્જિદ સમાન લાગતી એ ઇમારતને જમીનદોસ્ત કરી દીધી અને આ રીતે અયોધ્યામાં રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો. એક માન્યતા અનુસાર હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની જન્મભૂમિ પરના મંદિરને તોડીને તેના સ્થાને મસ્જિદ બનાવી હોવાનો ઉલ્લેખ અનેક વિદેશી પ્રવાસીઓએ કર્યો છે. ફાધર ટાઈફેન્થેલરનો યાત્રાવૃતાંત આનું જીવતું જાગતું ઉદાહરણ છે. ઑસ્ટ્રેલિયાના આ પાદરીએ 45 વર્ષો સુધી (1740થી 1785) સમગ્ર દેશમાં ભ્રમણ કરી અને ડાયરી લખી છે જેમાં લગભગ 50 પાનાંમાં અવધ નગરીનું વર્ણન જોવા મળે છે. તેમાં રામકોટના ત્રણ ગુંબજોનો ઉલ્લેખ છે, તેમાં 14 કાળા પથ્થરો હોવાનો ઉલ્લેખ છે. પાદરી લખે છે કે, આ જ સ્થાને હિન્દુઓના દેવ ભગવાન શ્રીરામ અને તેમના ત્રણ ભાઈઓનો જન્મ થયો હતો. પાદરી દાવો કરે છે કે આ મંદિરને પાછળથી બાબર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

હિન્દુસમાજની શ્રદ્ધા અને પોતાના આરાધ્યદેવની જન્મભૂમિ પાછી મેળવવા માટેના સતત સંઘર્ષનું એક ઉદાહરણ 22 ડિસેમ્બર, 1949ની રાતે જોવા મળ્યું જ્યારે ઇમારતની અંદર ભગવાન શ્રી રામ પ્રગટ્યા. તે સમયે પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રધાનમંત્રી, ગોવિંદવલ્લભ પંત યુપીના મુખ્યમંત્રી તેમજ કે. કે. નાયર ફૈઝાબાદના કલેક્ટર હતા. કે. કે. નાયર દ્વારા ઇમારતની બરોબર સામેની દીવાલમાં લોખંડની મજબૂત સાંકળોવાળો વિશાળ દરવાજો લગાવી દીધો. ભગવાનની પૂજા માટે પૂજારીની નિયુક્તિ કરવામાં આવી અને માત્ર પૂજારીને જ રોજ સવાર સાંજ શ્રીરામની પૂજા અર્ચના માટે અંદર જવાની પરવાનગી હતી જ્યારે સામાન્ય જનતાને ગર્ભગૃહની બહારથી જ પૂજા અર્ચના કરવા દેવામાં આવતી. પણ રામભક્ત પ્રજા તે જ ઘડીએથી ત્યાં કીર્તન પર બેસી ગઈ અને 6 ડિસેમ્બર, 1992 સુધી અખંડિત કીર્તન થતું રહ્યું.

ભગવાન શ્રીરામના મંદિરનું આ તાળું ખોલાવવા માટે દેશભરના સંતો મહંતો દ્વારા 8 એપ્રિલ, 1984ના રોજ વિજ્ઞાનભવન દિલ્હી ખાતે સંકલ્પ લેવામાં આવ્યો જેને આપણે સૌ ધર્મસંસદના નામે ઓળખીએ છીએ અને શરૂ થઈ શ્રીરામ અને જાનકીના રથો દ્વારા વ્યાપક જનજાગરણની પરંપરા. પરિણામે ફૈઝાબાદના જિલ્લા ન્યાયાધીશ શ્રી કે. એમ. પાંડેય દ્વારા 1 ફેબ્રુઆરી, 1986ના રોજ મંદિરનાં તાળાં ખોલવા આદેશ આપવામાં આવ્યો. તે વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે કાઁગ્રેસના વીરબહાદુરસિંહ હતા.

24 મે, 1990ના રોજ હરિદ્વારમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું જેમાં સંતસમાજ દ્વારા ઘોષણા કરવામાં આવી કે, દેવોત્થાન એકાદશી (30 ઑક્ટોબર, 1990)ના દિવસથી મંદિર નિર્માણના હેતુસર કારસેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ સંદેશ ગામે-ગામ સુધી પહોંચાડવા માટે 1 સપ્ટેમ્બર, 1990માં અયોધ્યામાં અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવી અને તેને ‘રામજ્યોતિ’ એવું નામ આપવામાં આવ્યું અને 19 ઑક્ટોબર, 1990ની દિવાળીના દિવસ સુધી આ જ્યોતિને ભારતના પ્રત્યેક ગામડામાં પહોંચાડી દેવામાં આવી. તે વખતના ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા ઘોષણા કરવામાં આવી કે અયોધ્યામાં ચકલું પણ ફરકી નહિ શકે. તેમણે અયોધ્યા સુધી પહોંચતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા. અયોધ્યા જતી તમામ રેલગાડીઓ રદ કરી દીધી અને 22 ઑક્ટોબર સુધીમાં તો સમગ્ર અયોધ્યા જાણે કે સૈનિક છાવણીમાં ફેરવાઈ ગયું અને ફૈજાબાદ જિલ્લાની સીમા વટાવ્યા બાદ શ્રી રામજન્મ સ્થળે પહોંચતાં પોલીસ સુરક્ષાના સાત ઘેરા પાર કરવા પડતા હતાં છતાં પણ શ્રીરામ સેવકો દ્વારા વાનરોની માફક કહેવાતી મસ્જિદના ગુંબજ પર ચઢી શ્રીરામના નામનો ઝંડો લગાવી દીધો, જેના પ્રત્યાઘાત‚પે મુલાયમ સરકાર દ્વારા 2 નવેમ્બર, 1990ના રોજ ભયંકર નરસંહાર આચરવામાં આવ્યો. કલકતા નિવાસી બે સગા ભાઈઓમાંથી એકને મકાનમાંથી ઢસડી લાવી જેહારમાં ગોળીએ દેવામાં આવ્યો, જેના બચાવમાં નાનો ભાઈ આવ્યો તેને પણ ગોળીએ દેવાયો (કોઠારી બંધુઓનું બલિદાન). આ હત્યાકાંડમાં કેટલા લોકોએ જીવ ખોયા તેનો કોઈ જ આંકડો નથી. સરકારના આ પગલા સામે દેશભરના લોકોમાં રોષ વ્યાપી ગયો. છતાં રામભક્તો દર્શન કર્યા વગર પરત ન ફર્યા તે ન જ ફર્યા. આમ દિવસો સુધી સતત સત્યાગ્રહ ચાલતો રહ્યો. કારસેવકોનાં અસ્થિઓનું દેશભરમાં પૂજન કરવામાં આવ્યું અને 14 જાન્યુઆરી, 1991ના રોજ એ અસ્થિોને માઘ મેળાના અવસર પર પ્રયાગરાજમાં પ્રવાહિત કરી દેવામાં આવ્યાં. કારસેવકોના આ બલિદાનથી દેશભરના હિન્દુઓમાં મંદિરનિર્માણનો સંકલ્પ ઔર મજબૂત બન્યો.

4થી એપ્રિલ, 1991ના દિવસે દિલ્હી સ્થિત બોટ ક્લબ ખાતે વિશાળ ધર્મ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી 25 લાખ જેટલા રામભક્તોએ ભાગ લીધો હતો. તેના કારણે આ રેલી ભારતીય ઇતિહાસમાં સૌથી વિશાળતમ મહારેલીનું બિરુદ પામી. આ રેલીની વિશાળતા જોઈને સરકારે બોટ ક્લબ પર રેલીઓનું આયોજન કરવા પર પ્રતિબંધ લાદી દીધો. એક બાજુ બોટ ક્લબની એ ધર્મ રેલીઓમાં દેશનો સંત સમાજ ગર્જના કરી રહ્યો હતો, તે દરમિયાન સમાચાર આવ્યા કે યુ.પી.ના મુખ્યમંત્રી કલ્યાણસિંહે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. પરિણામે ઉત્તરપ્રદેશમાં પુન: ચૂંટણીઓ યોજવાની નોબત આવી, જેમાં શ્રી રામજન્મભૂમિ પર મંદિરનિર્માણનો વિરોધ કરતા પક્ષોની નાલેશીભરી હાર થઈ અને કલ્યાણસિંહ યુ.પી.ના મુખ્યમંત્રી પદે આરૂઢ થયા.

30 ઑક્ટોબર, 1992ના રોજ રાજધાની દિલ્હી ખાતે દેશભરના સંતો દ્વારા પાંચમી ધર્મસભાનું આયોજન કરી ઘોષણા કરવામાં આવી કે, આગામી ‘ગીતા જયંતી’ (6 ડિસેમ્બર, 1992)ના દિવસથી કારસેવાનો પુન: પ્રારંભ કરવામાં આવશે. સંતોના આ આહ્વાનથી દેશભરમાંથી લાખો કારસેવકો અયોધ્યા પહોંચવા લાગ્યા અને 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યા ખાતે એકત્રિત થયેલા લાખો રામભક્તોના રોષે તાંડવનુ સ્વરૂપ ધારણ કર્યું જેમાં કથિત બાબરી ઢાંચો જમીનદોસ્ત બન્યો.6 ડિસેમ્બર, 1992ના રોજ કથિત બાબરી ઢાંચાના ધ્વંસ બાદ રામભક્તોએ વચ્ચેના ગુંબજની જગ્યાએ ભગવાન શ્રીરામનું સિંહાસન સ્થાપિત કરી પૂજાનો પ્રારંભ કરી દીધો. ત્યાર બાદ લાખો રામભક્તો દ્વારા 36 કલાકમાં અને એ પણ કોઈપણ પ્રકારનાં ઓજાશેરો વગર પોતાના હાથથી તે સ્થાનની ચારે બાજુ દીવાલો ઊભી કરી ઉપર કપડાની છત બનાવી દેવામાં આવી. રામભક્તો દ્વારા 5-5 ફૂટ ઊંચી અને 25 ફૂટ લાંબી અને 25 ફૂટ પહોળી દીવાલો ચણાઈ અને આ રીતે બની ગયું રામલલાનું મંદિર. આજે પણ તે જગ્યાએ પૂજા-અર્ચના થઈ રહી છે. તમામ અવરોધો પૂર્ણ થઈ ને જ્યારે પાચ ઓગસ્ટ ના રોજ ભગવાન રામનું મંદિર નિર્માણકાર્ય થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભારતની સાથે સાથે વિશ્વ પણ આ પવિત્ર શ્રાવમાસમ ભક્તિમય બની રહ્યું છે.

જય શ્રીરામ…
  • પિન્કેશ પટેલ – ‘કર્મશીલ ગુજરાત’