કઠુઆ રેપ કેસ : ૩ દોષિતોને આજીવન અને અન્ય ત્રણને ૫-૫ વર્ષની કેદ

  • ૧૭ મહિના બાદ ન્યાય : ૬ દોષિત, ૧ નિર્દોષ જાહેર, પઠાનકોટ કોર્ટે આપ્યો ચુકાદો…

પઠાનકોટ,
ગત વર્ષની શરૂઆતમાં સંપૂર્ણ દેશને હચમચાવી દેનાર જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર ૮ વર્ષની બાળકી સાથે થયેલ ગેંગરેપ અને હત્યાની ઘટના પર આજે પઠાણકોટ કોર્ટે સાતમાંથી ૬ આરોપીઓને દોષિત ગણાવ્યા છે. આમાંથી ૩ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે. તેમાં સાંઝી રામ, દીપક ખજુરિયા અને પ્રવેશ સામેલ છે. આ પહેલા પઠાન કોટની કોર્ટે મુખ્ય આરોપી સાંઝી રામ સહિત અન્ય ૬ આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. સાતમાં આરોપી વિશાલને નિર્દોષ જાહેર કર્યો છે. આ બધા આરોપીઓની સજાની જાહેરાત કરવામાં આવી છે.
જોકે સાંઝી રામના દીકરા વિશાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત મીડિયા રિપોર્ટ મુજબ પુરાવા સાથે ચેડા કરનાર ૩ આરોપીઓને ૫-૫ વર્ષની સજા અને ૫૦-૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ત્રણ આરોપીઓમાં તિલક રાજ, આનંદ દત્તા અને સુરેન્દ્ર કુમાર સામેલ છે. રિપોર્ટ મુજબ આરોપી સાંઝી રામ, દીપક ખજુરિયા અને પ્રવેશને કલમ ૩૦૨ અને ૩૭૬ હેઠળ આજીવન કેદની સજા અને ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કેસમાં વિશાલ જંગોત્રા નામના આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. વિશાલે કોર્ટ સામે એવા પુરાવા જાહેર કરવામાં સફળ રહ્યો છે કે, તે ઘટના સમયે ત્યાં હાજર જ નહતો અને તેને તેનો ફાયદો મળ્યો છે. વિશાલે કોર્ટ સામે એવુ સાબીત કર્યું છે કે, ઘટના સમયે તે મેરઠમાં કોઈ એક્ઝામમાં હાડર હતો. મેરઠમાં એક્ઝામ અટેન્ડ્‌સ રજિસ્ટ્રર્ડમાં તેની સહિ જોવા મળી છે. જોકે તપાસ ટીમને તે સહી નકલી હોવાની શંકા છે. જમ્મુ ક્રાઈમ બ્રાન્ચનું પણ કહેવું છે કે, જંગોત્રા મેરઠમાં ૧૫ જાન્યુઆરીએ એક્ઝામ આપવા નહતો ગયો. આરોપ પત્ર પ્રમાણે ઘટનાના દિવસે તે કઠુઆના રાસના ગામમાં જ હાજર હતો.
ક્રાઈમ બ્રાંચે ગત વર્ષે ૯ એપ્રિલે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. જે મુજબ સમગ્ર ઘટનાક્રમનો માસ્ટરમાઈન્ડ મંદિરનો પુજારી સાંઝી રામ હતો. અપહરણ બાદ બાળકીને તેના જ મંદિરમાં રાખવામાં આવી હતી.
કઠુઆમાં ધુમંતૂ લઘુમતિ સમાજની આઠ વર્ષની માસૂમ ઘોડા ચરાવવા માટે જંગલમાં ગઈ હતી. અહીંથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાળકીને એક મંદિરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. આ બાળકી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે મંદિરના પૂજારી તેમજ બે પોલીસકર્મી સહિત આઠ લોકોની ગુનામાં સંડોવણીના આરોપમાં ધરપકડ કરી હતી. આ મામલાના ઘેરા પ્રત્યાઘાતો આખા દેશમાં પડ્યા હતા. અનેક શહેરોમાં લોકો બાળકીને ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતર્યાં હતા.
કઠુઆ ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટને તેની ટ્રાયલ ચંદીગઢ શિફ્ટ કરવાની અને આ કેસની સીબીઆઈને સોંપવાની અરજી કરવામાં આવી હતી. પીડિતાના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસને જમ્મુ-કાશ્મીરમાંથી બહાર ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે નિર્ણય કરીને સુનાવણી પંજાબની પઠાણકોટ કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. સુપ્રીમે આ કેસની સીબીઆઈ તપાસની માગણી નકારી દીધી હતી.