કચ્છમાં પાક. કમાન્ડો ઘુસવાની આશંકાએ રાજ્યનાં તમામ બંદરો પર એલર્ટ…

આતંકવાદીઓ હરામીનાળામાં થઈને કચ્છ અને સરક્રીકમાં ઘુસે એવી શક્યતા, મરિન કમાન્ડો તૈનાત…

પાક.થી ‘ભારતના કંડલાને ટાર્ગેટ કરો’નું ટિ્‌વટ કરાયું, બીએસએફ અને કોસ્ટગાર્ડ સહિત અન્ય સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર…

કચ્છ,
કાશ્મીરમાંથી કલમ-૩૭૦ને રદ કર્યા બાદ ટળવળેલું પાકિસ્તાન આતંકવાદનો રસ્તો અપનાવે તેવા ઇનપુટ છે. કચ્છના કંડલા બંદર પર અન્ડર વોટર ઍટેકના ઇનપુટના પગલે બંદર પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ જેટીઓ અને કંડલા બંદર પર ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એક બાજુ પાકિસ્તાને મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે અને બીજી બાજુ ઇન્ટેલિજન્સ ઇનપુટના પગલે કચ્છમાં સુરક્ષા તંત્ર સાબદું કરાયું છે.
સરહદી જિલ્લા કચ્છમાં ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ અને ઈનપુટના આધારે ઍલર્ટ જાહેર કરાયુ છે. તેમાંય દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં અંડર વોટર ઍટેક થવાના ઈનપુટના આધારે હાઈ સિક્યોરીટી ઍલર્ટ જાહેર કરાયો છે. ઇન્ટેલીજન્સ ઇનપુટ અનુસાર પાકિસ્તાનના ટ્રેનિંગ પ્રાપ્ત કમાન્ડો કચ્છના અખાતમાં હરામી નાળા સરક્રીકથી ઘૂસ્યાં છે. આ કમાન્ડોએ અંડર વોટર ઍટેક માટે ટ્રેનિંગ મેળવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કંડલા પોર્ટ દ્વારા આ અંગે તમામ શીપ એજન્ટો, સંગઠનો અને સંલગ્ન વ્યવસ્થાઓ ને સુચીત કરીને દરીયામાં કોઇ પણ અયોગ્ય હલન ચલન કે સંદિગ્ધ ગતિવિધી દેખાય તો તુરંત સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા તેમજ દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. આ અંગે પૂર્વ કચ્છમાં એસપીનો ચાર્જ સંભાળી રહેલા ડી.એસ. વાઘેલાએ જણાવ્યુ હતુ કે પોલીસ દ્વારા પોર્ટ આસપાસના તમામ સ્થળોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
મરીન કમાન્ડોની એક ટુકડીને પણ તૈનાત કરી લેન્ડિંગ પોઈન્ટ્‌સ, અગત્યના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. કચ્છની દરિયાઇ સીમા સાથે સંલગ્ન મુંદ્રા અને કંડલા પોર્ટ પર ખાસ તકેદારી રાખવા સૂચના અપાઇ છે. બીજી તરફ કચ્છના સિરક્રિક અને હરામીનાળાં વિસ્તારમાંથી ઘૂષણખોરીની શક્યતાને લઇને આ અલર્ટ સુરક્ષા એજન્સીઓએ આપ્યું છે. કચ્છમાં સિરક્રિક અને હરામીનાળું પાકિસ્તાનની દરિયાઇ સરહદથી સૌથી નજીક છે, જેના કારણે આતંકીઓ ત્યાંથી ઘૂષણખોરી કરશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ટ્‌વીટર પર પાકિસ્તાનના વ્યક્તિ દ્વારા ‘પાકિસ્તાની નેવીએ ભારતનું ૩૫% કાર્ગો વહન કરતા કંડલાને ટાર્ગેટ કરવું જોઇએ’ ની ટીપ્પણી કરી હતી.