કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ…

કચ્છ : ફરી એકવાર પૂર્વ કચ્છની ધરા ગઈકાલે બપોરનાં ૨.૦૯ કલાકે ૪.૧ની તીવ્રતાનાં ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી હતી. જે આંચકાને લીધે ભુજ, અંજાર, ભચાઉ અને રાપર સહિતનાં વિસ્તારનાં લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. જામનગરમાં બાદ હવે કચ્છમાં ભૂકંપના સતત આંચકા આવી રહ્યાં છે. ગઈકાલે બપોરે ૪.૧ની તીવ્રતાનો મોટા આંચકો આવ્યા બાદ બીજા આંચકાઓ ચાલુ જ રહ્યા છે. ગઈકાલે બપોર બાદ કચ્છમાં સાગમટે પાંચ આંચકા અનુભવાયા છે.
આમ, કચ્છમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૫ આંચકા આવી ગયા છે. કચ્છના દુધઈ, દુદઈ, રાપર અને ભચાઉમાં આંચકા અનુભવાયા છે. ગઈકાલે કચ્છમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ મોટા આંચકા બાદ વધુ ૪ આંચકા આવ્યા હતા. જેમાં તીવ્રતા અનુક્રમે ૧.૬, ૨.૫, ૧.૨ અને ૧.૯ રહી હતી. આમ, કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યાં છે.
ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરનાં ૨.૦૯ કલાકે આવેલા ૪.૧ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી ૭ કિ.મી.દૂર ઈશાન ખૂણે નોંધાયું હતું. બાનિયારી નજીક જમીનમાંથી ૩૦.૫ કિ.મી.ઉંડાઈથી ઉદ્ભવેલા આંચકાથી અંજાર, આદિપુર, ગાંધીધામ, ભુજ, ભચાઉ, રાપર સહિતનાં તાલુકાનાં ગામોના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ધરતીકંપના આંચકાને લઈ અંજાર, ગાંધીધામ અને ભચાઉનાં લોકો બપોરનાં ભયનાં માર્યા રીતસર ઘરની બહાર દોડી આવ્યા હતા.