કચોરી એવી વાનગી છે જે દરેક ઉંમરના લોકોને ભાવતી હોય છે. મોટભાગે કચોરી મેંદાના લોટથી જ બનતી હોય છે. પરંતુ આજે અમે તમને બ્રેડની કચોરીની સ્વાદિષ્ટ રેસિપી જણાવી રહ્યા છીએ. તો ચાલો નોંધી લો બ્રેડ કચોરીની રેસિપી.

બ્રેડની કચોરી

સામગ્રી:
– 2 કપ પલાળેલી મગની દાળ
– અડધી ચમચી આદુંની પેસ્ટ
– 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
– 1 ચમચી વરિયાળી
– 1 ચપટી હળદર પાઉડર
– 1 ચપટી હિંગ
– અડધી ચમચી ગરમ મસાલો
– અડધી ચમચી લાલ મરચું
– મીઠું સ્વાદ મુજબ
– 2 ચમચી તેલ
– 10 બ્રેડની સ્લાઇસ
– તેલ તળવા માટે

રીત:
– સૌથી પહેલા દાળને મિક્સરમાં અડકચરી વાટી લો અને પછી એક ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરો.
– તેલ ગરમ થઈ જાય એટલે હિંગ અને વરિયાળીનો વઘાર કરો. પછી તેમાં લીલા મરચાં તથા આદુંની પેસ્ટ ઉમેરીને સાંતળો.
– લાલ મરચું. હળદર પાઉડર અને મગની દાળની પેસ્ટ ઉમેરીને મસાલાને સરખી રીતે શેકી લો.
– ગરમ મસાલો પાઉડર તથા મીઠું ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ બધી બ્રેડ સ્લાઇસને એક વાટકીથી ગોળાકાર કટ કરી લો.
– એક-એક કરીને બધી સ્લાઇસને થોડા પાણીમાં નાખીને હળવા હાથે દબાવો જેથી બ્રેડનું એક્સ્ટ્રા પાણી નીકળી જાય.
– હવે એક બ્રેડ ઉપર થોડું મગની દાળનું મિશ્રણ મૂકો અને પછી તેની ઉપર બીજી સ્લાઇસ મૂકીને કવર કરી લો.
– બંને બ્રેડની કિનારીને સરખી રીતે હાથ વડે દબાવીને કચોરીનો આકાર આપો.
– એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધી જ કચોરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
– કચોરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો.