ઓરિસ્સામાં ‘ફાની’એ લીધો 8 લોકોનો જીવ, હવે બંગાળ પહોંચ્યું જીવલેણ તોફાન

પ્રચંડ ચક્રવાતી તોફાન ફાની શુક્રવારે ઓરિસ્સાના તટ પર અથડાયુ હતું અને તટીય વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ઓરિસ્સાના પુરી અને ભુવનેશ્વર સહિત ઘણા વિસ્તારોમાં વીજળીના થાંભલા અને વૃક્ષો ઉખડી ગયા.

ઘણી ઈમારતો તૂટી ગઈ અને ચારેય બાજુ પાણી ભરાઈ ગયું. આ ઉપરાંત, 8 લોકોના જીવ ગયા. જ્યારે 160 કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. ઓરિસ્સામાં તબાહી મચાવ્યા બાદ હવે આ જીવલેણ તોફાન પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યું છે.

હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું હતું કે, ફાની શનિવારે સવારે પશ્ચિમ બંગાળ સુધી પહોંચી જશે. મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે બંગાળના ઘણા વિસ્તારોમાં આ તોફાનની અસર જોવા મળી. ખડગપુર, ઈસ્ટ મિદનાપુર, મુર્શિદાબાદ, નોર્થ 24 પરગના તેમજ દિગા જેવા વિસ્તારોમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. સાથે જ 90 કિમી પ્રતિ કલાકની ગતિથી હવાઓ પણ ચાલી.

જોકે, સારા સમાચાર એ છે કે, હજુ સુધી બંગાળમાં ફાની તોફાનને કારણે કોઈ મોટા નુકસાનના સમાચારા સામે નથી આવ્યા અને હાલ જોખમ દૂર થતું દેખાઈ રહ્યું છે. જોકે, હજુ પણ સાવધાની રાખવામાં આવી રહી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની ચૂંટણી રેલીઓ પણ રદ્દ કરી દીધી છે. સુરક્ષાના કારણોસર કોલકાતા એરપોર્ટની સર્વિસ થોડા સમય માટે બંધ રાખવામાં આવી.