ઓરિસ્સાના આ 11 જિલ્લાઓમાંથી આચારસંહિતા ઉઠાવી લેવામાં આવી, જાણો કારણ

ફૈની તોફાન ગંભીર તોફાનમાં બદલાઇ ગયું છે. આ તોફાન શુક્રવારે બપોર સુધી ઓરિસ્સા પહોંચવાની વકી છે. હવામાન વિભાગે આખાં રાજ્યમાં યેલો વોર્નિંગ જાહેર કરી દીધી છે. મુસીબતના આ સમયે ચૂંટણી પંચે પણ 11 જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્યને જોતા આચારસંહિતા ઉઠાવી લીધી છે.

ઓરિસ્સાના તટ પાસે પહોંચતા ફૈનીની ગતિ 175થી 185 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે જે વધીને 205 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. બૌધ, કાલાહાંડી, સંબલપુર, દેવગઢ અને સુંદરગઢ સહિત કેટલાક સ્થાનો પર મુશળધાર વરસાદ વરસવાની પણ સંભાવના છે. આ દરમિયાન ઓરિસ્સામાં એલર્ટ બહાર પાડતા શાળા અને કોલેજોમાં 2 મે સુધી રજા જાહેર કરી દેવાઇ છે.

ભયંકર તોફાનની આશંકાને જોતા ચૂંટણી પંચે ઓરિસ્સાના 11 જિલ્લાઓ પુરી, જગતસિંહપુર, કેંન્દ્રપાડા, બાલાસોર, ગજપતિ, ગંજમ, ખોરઘા, કટક અને જાજપુરમાંથી આચારસંહિતા હટાવી લીધી છે જેથી રાહત અને બચાવ કામગીરીમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને કોઇ અડચણ ન આવે. રાજ્ય સરકારે આ સંબંધે ચૂંટણી પંચને પ્રસ્તાવ આપ્યો હતો. હવામાન વિભાગે તોફાનની ચેતવણી આપતાં કહ્યું છે કે, હાલ ફૈની પુરીથી 760 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ અન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી 560 કિલોમીટર દૂર છે.