એશિયાનું સૌથી મોટું ઊંઝા એપીએમસી માર્કેટ ભારત બંધમાં નહિં જોડાય…

ઊંઝા : કેન્દ્રીય કૃષિ સંબંધિત નવા કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને પગલે ૮મી ડિસેમ્બર મંગળવારે દેશવ્યાપી બંધનું એલાન જાહેર થયું છે, ત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત વિવિધ ખેડૂત સંગઠનોએ આ બંધને ટેકો આપતા તે દિવસે બંધ પાળવાની સાથે ચક્કાજામ, ધરણાં, સૂત્રોચ્ચાર, દેખાવો જેવા કાર્યક્રમો યોજવાનું પણ જાહેર કર્યું છે. ગુજરાત કોંગ્રેસે ૮મીએ બંધ પાળવાની સાથે રાજ્યવ્યાપી ચક્કાજામ કરવાનું જાહેર કર્યું છે, રાજ્યના ૧૭ ખેડૂત સંગઠનોની બનેલી ગુજરાત સંઘર્ષ સમિતિએ પણ બંધના દિવસે ધરણાં, ચક્કજામ, દેખાવો યોજવાનું નક્કી કર્યું છે. ખેડૂતોના બંધના કાર્યક્રમમાં કામદારો, વેપારીઓ તેમજ તમામ ધંધા-રોજગાર જોડાશે, એમ સંઘર્ષ સમિતિના મુખ્ય કન્વીનર ડાહ્યાભાઈ ગજેરાએ જણાવ્યું હતું.
બીજી બાજુ ગુજરાતમાં દેશવ્યાપી બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. હાલ એક સમાચાર મળી રહ્યા છે કે ભારત બંધમાં એશિયાનું સૌથી મોટું ઊંઝા એપીએમસી માર્કેટ નહીં જોડાય. આવતીકાલે (મંગળવાર) ઊંઝા એપીએમસીમાં હરાજી ચાલુ રહેશે. ખેડૂતોનું આવતીકાલે ભારત બંધનું એલાન છે, ત્યારે વિવિધ ગંજબજારોમાંથી મિક્ષ પ્રતિસાદ મળી રહ્યો છે.
આવતીકાલે ભારત બંધના એલાનમાં ઊંઝા એપીએમસી રાબેતા મુજબ કાર્યરત રહેશે. હરાજી પણ આવતીકાલે રાબેતા મુજબ જ થશે.
આ સિવાય આવતીકાલે “ભારત બંધ’ના એલાનમાં વડોદરાનું હાથીખાના એપીએમસી બંધ રહેશે. ધી ગ્રેન મર્ચન્ટ એસોસિએશન બંધ પાળશે. ભારત બંધ એલાનને અનાજ વેપારીઓ દ્વારા સમર્થન મળ્યું છે. હાથીખાના એપીએમસી દ્વારા બંધને સમર્થન અપાયું છે. ધી ગ્રેન મર્ચન્ટ એસો.વડોદરા આવતીકાલે બંધ પાડશે. અન્ય વેપારીઓને પણ બંધ પાળવા અપીલ કરાઈ છે.