‘એવેન્જર્સ’ જોયા બાદ કલાકો સુધી રડતી રહી યુવતી, તબિયત બગડતા આપવું પડ્યું ઓક્સિજન

માર્વેલની સુપરહિરોની સીરિઝ ‘એવેન્જર્સ એન્ડગેમ’ દુનિયાની સૌથી મોટી ફિલ્મો પૈકી એક સાબિત થઇ છે. ‘એવેન્જર્સ’ સીરિઝની આ અંતિમ ફિલ્મ છે. દર્શકોમાં આ ફિલ્મનો એટલો ક્રેઝ છે કે તેઓ કોઇપણ કિંમતે ફિલ્મ જોવા માગે છે. ‘એવેન્જર્સ’ સીરિઝ પૂર્ણ થતાં તેના ઘણાં પ્રશંસકો નારાજ છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ચીનની એક યુવતી આ સીરિઝ પૂર્ણ થતાં લાંબો સમય રડતી રહી હતી જેને લીધે તેની તબિયત ખરાબ થઇ હતી. તેની તબિયત એવી બગડી કે તેને તરત હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

21 વર્ષની આ યુવતી ફિલ્મ જોવા માટે સિનેમાઘર પહોંચી હતી. ફિલ્મ જોયા બાદ તેને સીરિઝ પૂર્ણ થઇ જવાનું એટલું દુઃખ થયું કે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. તે એટલા કલાકો રડતી રહી કે તેને લીધે તબિયત બગડવા લાગી હતી. આ યુવતીની તબિયત વધારે ખરાબ ન થાય તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેને જ્યારે હોસ્પિટલ લઇ જવામાં આવી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને હાથ-પગ સન્ન પડી ગયા હતા. ડૉક્ટરોએ તેને ઓક્સિજન લગાડવાની જરૂર પડી હતી.

3 કલાકની આ ફિલ્મને દુનિયાભરમાં ભારે પ્રતિસાદ મળ્યો છે, આ ફિલ્મે ચીનમાં અત્યાર સુધી 330 કરોડની કમાણી કરી લીધી છે. સાથે જ વર્લ્ડની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે જ ગ્લોબલી 1,186 કરોડની કમાણી કરી હતી.