એર ઈન્ડિયાનું સર્વર 5 કલાક બાદ શરૂ, દેશ સહિત દુનિયાભરના હજારો યાત્રિઓ થયા હેરાન

એર ઈન્ડિયા વિમાનનું સર્વર ડાઉન થવાને કારણે શનિવારે યાત્રિઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થવાને કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટની સાથોસાથ દેશના તમામ એરપોર્ટ પર યાત્રીઓ ફસાયા હતા. સર્વર ડાઉન થવાને કારણે યાત્રિઓ ચેક ઈન નહોતા કરી શકતા તેમજ બોર્ડિંગ પાસ પણ કાઢી નહોતા શકતા. પરંતુ એર ઈન્ડિયાનું સર્વર 5 કલાક બાદ રીપેર થઈ ગયું છે. એરલાઈનના CMD અશ્વિની લોહાનીએ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પેસેન્જર સર્વિસીસ સિસ્ટમ મેન્ટેનન્સને કારણે શનિવારે સવારે 3.30થી 4.30 વાગ્યાની વચ્ચે સર્વર ડાઉન થયું હતું. સવારે 8 વાગીને 45 મિનિટ પર સિસ્ટમ પાછી રીપેર થઈ ગઈ.મુંબઈ એરપોર્ટ પર ફસાયેલા એક યાત્રિએ ટ્વિટ કર્યું હતું કે, અહીં એરપોર્ટ પર ઓછાંમાં ઓછાં 2 હજાર યાત્રિઓ ફસાયેલા છે. આખા ભારતમાં SITA સોફ્ટવેર ડાઉન થવાને કારણે યાત્રીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સિસ્ટમ ડાઉન થવાને કારણે દુનિયાભરમાં એર ઈન્ડિયાની ઉડાનો પ્રભાવિત થઈ હતી. એરલાઈન યાત્રિઓને બોર્ડિંગ પાસ આપી શકતી નહોતી. ફ્લાઈટ્સ મોડી થવાને કારણે યાત્રિઓને પડેલી મુશ્કેલી માટે એર ઈન્ડિયાએ માફી માગી છે.