એર ઈન્ડિયાના યાત્રિઓ માટે ખરાબ સમાચાર, આજે પણ 137 ઉડાનો પ્રભાવિત

એર ઈન્ડિયાના ચેક ઈન સોફ્ટવેરમાં શનિવારે સવારે આવેલી ખરાબીની અસર હજુ સુધી યથાવત છે અને એરલાઈને કહ્યું હતું કે, રવિવારે 137 ઉડાનોમાં વિલંબ થયો. એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે 137 ઉડાનોમાં સરેરાશ 197 મિનિટનો વિલંબ થયો હતો.

વિશ્વભરના હજારો યાત્રિઓએ શનિવારે સવારે ખરાબ સમયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એરલાઈનના PSS સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાતા સોફ્ટવેર સવારે સાડા ત્રણ વાગ્યાથી પોણા નવ વાગ્યા સુધી બંધ થઈ ગયું હતું. આ સોફ્ટવેર ચેક-ઈન, બેગેજ અને રિઝર્વેશન સાથે સંકળાયેલા કામોનો હિસાબ રાખે છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોફ્ટવેર 5 કલાક સુધી ખરાબ રહેવાને કારણે શનિવારે 149 ઉડાનોમાં વિલંબ થયો હતો.

રવિવારે તેની અસર વિશે પૂછતા જાણવા મળ્યું હતું કે, પહેલા સેક્શનમાં 137 ઉડાનોમાં સરેરાશ 197 મિનિટનો વિલંબ થયો છે. પહેલા સેક્શનમાં એકવાર કોઈ વિમાનના સમયમાં વિલંબ થાય તો બીજા અને ત્રીજા સેક્શનમાં પણ તેમાં મોડું થાય એ વાત નક્કી છે. સામાન્યરીતે એક વિમાન એક દિવસમાં એકમાંથી બીજા સેક્શનમાં જાય છે. ઉદાહરણ તરીકે જો દિલ્હી-મુંબઈ એક સેક્શન છે તો મુંબઈ-બેંગ્લોર બીજા સેક્શન અને બેંગ્લોર-ચેન્નાઈ ત્રીજા છે. એર ઈન્ડિયા ગ્રુપ દરરોજ 674 ઉડાનોને સંચાલિત કરે છે. આ ગ્રુપમાં તેની સહાયક કંપનીઓ એલાયન્સ એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ સામેલ છે.