એનડીઆરએફની ટીમને સલામ… ગર્ભવતી મહિલાઓ સહિત હજારોનાં જીવ બચાવ્યા…

  • જૂનાગઢમાં મહિલાની પ્રસૂતી ૧૦૮ની એમ્બ્યુલન્સમાં કરાવાઈ
  • રાજ્યમાં પ્રસરેલી ભયજનક સ્થિતિમાં પણ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાંથી સારા સમાચાર આવી રહ્યાં છે

જુનાગઢ,
ગુજરાતીઓ માટે સૌથી રાહતના સમાચાર આવ્યાં છે કે વાયુ વાવાઝોડાની અસર ઓછી થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવનારુ આ વાવાઝોડું હવે દિશા બદલીને ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. રાજ્યમાં પ્રસરેલી ભયજનક સ્થિતિમાં પણ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાંથી સારા સમાચાર આવી રહ્યાં છે.

ઇમરજન્સીમાં જૂનાગઢ જિલ્લાનાં માલિયા વિસ્તારમાં એક મહિલાની પ્રસૂતી ૧૦૮ની એમ્બ્યુલન્સમાં કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે હાલ માતા અને બાળકની તબિયત સારી છે. આ ઊપરાંત અમરેલીમાં પણ સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રીમેચ્યોર પ્રસૂતી દર્દ ઉપડતા પ્રસૂતી કરવાની જરૂર પડી હતી. મહિલાને દર્દ ઉપડતા એનડીઆરએફની ટીમે ભારે જહેમત ઉઠાવીને બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવી હતી. આ મહિલાને પ્રસૂતી માટે એનઆઈસીયુમાં લઇ જવામાં આવી છે.

આ પહેલા પણ ભાવનગરમાં આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ત્યાંનાં કલેક્ટરે ટિ્‌વટ કરીને જણાવ્યું છે કે રાતે ૧૨.૩૦ કલાકે ૧૫ ગર્ભવતી મહિલાઓને વાયુ વાવાઝોડાનાં કારણે શિફ્ટ કરવામાં આવી હતી. જેમાંથી ૪ પ્રસૂતિ થઇ છે જે સફળ રહી છે. બાળકો અને માતાની તબિયત સારી છે.

ત્યાંનાં કલેક્ટરે ટિ્‌વટ કરીને જણાવ્યું છે કે રાતે ૧૨.૩૦ કલાકે ૧૫ ગર્ભવતી મહિલાઓને વાયુ વાવાઝોડાનાં કારણે શિફ્ટ કરવામાં આવી હતી…

હવામાન વિભાગના મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાયુ વાવાઝોડાના કારણે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં બપોરે ૧૩૫થી ૧૬૦ કિમીની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.