ઉમરેઠમાં મંદિર સામે મુકેલો દીવો ઉંદરે ઊંધો પાડતા મકાનમાં લાગી આગ…

નગરપાલિકા પ્રમુખે તુરત ઉમરેઠ અને ડાકોર થી ફાયરબ્રિગ્રેડને બોલાવી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી…

ઉમરેઠના ગરાસિયાવાડ વિસ્તારમાં આજે સવારે ત્રણ માળ ના એક મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, આ ઘટનાની જાણ થતા નગરપાલિકા પ્રમુખે તુરત ઉમરેઠ અને ડાકોર થી ફાયરબ્રિગ્રેડને બોલાવી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી, આગના આ બનાવમાં મકાનના બીજા માળની મોટા ભાગની ઘરવખરી બળી ગયાની ચર્ચા છે, તો સદનસીબે કોઈ જાનહાની ન થતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગે પ્રાપ્ત  માહિતી મુજબ ઉમરેઠના ગરાસિયાવાડ વિસ્તારમાં વાળંદનો વ્યવસાય કરતા સંજય ભાટિયાના ત્રણ માળના મકાનમાં પંદર જેટલા લોકો રહે છે, મકાનના બીજા માળે રહેતા પરિવારના કોઈ સદસ્યે નિત્યક્રમ મુજબ ઘરના મંદિરમાં ભગવાન સન્મુખ દીવો કરી રોજિંદા કામે લાગી ગયા હતા. ચર્ચા છે કે ઉંદરે સળગતો દીવો ઊંધો પાડી દેતા, જોત જોતામાં આગ લાગી ગઈ હતી, ઘર માંથી ધુમાડાના ગોતે ગોટા જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, અને આગને કાબુમાં લેવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ લપકારા મારતી આગ કાબુમાં ન આવતા, આ બનાવની જાણ થતા ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખે તુરત નિર્ણય લઇ ઉમરેઠ તેમજ ડાકોર થી લાયબંબો મંગાવી પાણીનો સતત મારો ચલાવતા આખરે આગ કાબુમાં આવી હતી.