ઉનાળાની ગરમીમાં હિટવેવથી બચવા આટલી તકેદારી રાખજો

આજે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેની સામાન્ય જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે ખાનપાનના પરિવર્તનો અને જીવનશૈલી ગત ફેરફાર દ્વારા હિટવેવથી રક્ષણ મેળવી શકાય છે. ગરમીમાં સ્વસ્થ રહેવા આયુર્વેદમાં વર્ણવેલા સૂચનો ને અનુસરવા આયુષ નિયામક ડૉ દિનેશચંદ્ર પંડ્યા દ્વારા જણાવાયું છે.

ઉનાળામાં થતી બીમારીઓથી બચવા તેમજ હિટવેવથી રક્ષણ મેળવવા આયુષ નિયામકની કચેરી દ્વારા આયુર્વેદમાં સૂચવેલી માર્ગદર્શિકામાં ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનો નાગરિકોને અનુસરવા અપીલ પણ કરાઈ છે.

ખાન-પાનના સંબંધી સલાહ-સૂચનો

 • તરસ અનુસાર કુદરતી ઠંડુ થયેલ પાણી પીવું
 • ફ્રિજનું ઠંડુ પાણી ન પીવું
 • માટલાંના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું
 • માટલાંમાં સુગંધીવાળાની પોટલી મૂકવી
 • ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો
 • આયુર્વેદ અનુસાર ભોજનમાં પ્રવાહી ખોરાક વધુ લેવો
 • વિવિધ ખાટા ફળોના શરબતો સાકર અને મધ ઉમેરી લેવા (બરફ ન ઉમેરવો)
 • સાકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુપ્રમાણેના ફળો લેવા
 • પચવામાં સરળ હોય તેવા દૂધી, સરગવો, ગલકા, તુરીયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા
 • બજારુ પેકિંગ કરેલ ફ્રૂટના જ્યુસ ન લેવા
 • ઘરે બનાવેલ તાજો શ્રીખંડ લઈ શકાય
 • નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલ પાણી પીવું
 • ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા
 • રાઈ, મરચું, મરી, લસણ, ગોળ, રીંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા