ઉકાઈમાંથી સતત ત્રીજા દિવસે પાણી છોડાયું, ડેમના ૧૩ દરવાજા ૮.૫ ફૂટ ખોલાયા…

ડેમની સપાટી ૩૩૭.૦૭ ફૂટે પહોંચી…

ઊકાઇ,
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત ત્રીજા દિવસે પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈમાંથી પાણી છોડાતા સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં ૨,૮૯,૨૮૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી ૧,૯૪, ૦૩૫ ક્યુસેક જાવક થઈ રહી છે.
હાલમાં ઉકાઈ ડેમના ૧૩ દરાવાજા ૮.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં ડેમમાં ધીમે ધીમે પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે, જ્યારે ડેમનું ઑગસ્ટનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે. ડેમ ઑગસ્ટના રૂલ લેવલથી ૨ ફૂટ વધારે ભરાયો છે તેથી હાલ ચિંતાની કોઈ સ્થિતિ નથી. ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાને રાખી ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવશે.