ઈંઝમામને પછાડી સ્મિથે બનાવ્યો સૌથી વધુ અર્ધશતક બનાવવાનો રેકોર્ડ…

ઓસ્ટ્રેલિયાના સીનિયર બેટ્‌સમેન સ્ટીવ સ્મિથે એશિઝ સિરીઝની પાંચમી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં વધુ એક અડધી સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં કોઈ એક વિપક્ષી ટીમ વિરુદ્ધ સૌથી વધુ વખત સતત ૫૦ કે તેથી વધુનો સ્કોર બનાવવાના રેકોર્ડને તોડી દીધો છે.
આ રેકોર્ડ અત્યાર સુધી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હકના નામે હતો, જેણે ૨૦૦૧થી ૨૦૦૬ વચ્ચે ઈંગ્લેન્ડ વિરુદ્ધ કુલ ૯ વખત ૫૦ કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો.
સ્મિથ હવે તેનાથી આગળ નિકળી ગયો છે. સ્મિથે પોતાની ૮૦ રનની શાનદાર ઈનિંગની સાથે ૧૦મી વખત ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૫૦ કે તેથી વધુનો સ્કોર હાસિલ કર્યો છે.
આ યાદીમાં ત્રીજુ નામ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ક્લાઇવ લોયડનું છે, જેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત ૯ વખત ૫૦ કે તેથી વધુનો સ્કોર કર્યો હતો.
ચોથા નંબર પર દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન જેક કાલિસ છે, જેણે પાકિસ્તાન વિરુદ્ધ આઠ વખત આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ શ્રીલંકાના કુમાર સાંગાકારાનું નામ છે, જેણે બાંગ્લાદેશ વિરુદ્ધ આ કારનામું કર્યું હતું.