ઇ-સિગારેટના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ બદલ હવે ૩ વર્ષ સુધીની જેલની સજા…

હાલ ગુજરાતમાં ઓનલાઇન મંગાવવામાં પ્રતિબંધ નથી, જેનો દુરુપયોગ કરીને મોટા શહેરોમાં પાર્લર થકી મંગાવીને છૂટથી વેચાણ કરવામાં આવતું હતું…

અમદાવાદ,
રાજયમાં ઇ-સિગારેટના કારણે યુવાનો નશાનું બંધાણી બની રહ્યું છે તેવી વિગતો બહાર આવતા સરકારે તેની ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કર્યા પછી હવે વિધાનસભાના આગામી સત્રમાં તેને લગતા કાયદામાં સુધારો લાવવામાં આવશે. જેમાં ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરશે તેને મહત્તમ ત્રણ વર્ષ સુધીની સજા અને ૫૦ હજાર રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ઇ-સિગારેટ સાથે ઈ-નિકોટીન ફ્લેવર્ડ હુક્કા, હીટ નોટ બર્ન ડીવાઈસ, વેપ, ઈ શીશા વિગેરેના ઓનલાઈન વેચાણ, આયાત અને ઉત્પાદન તેમજ સંગ્રહ પણ કાયદાના માધ્યમથી પ્રતિબંધ કરી દેવાશે.

ગુજરાતમાં ઇ-સિગારેટનું ચલણ વધી રહ્યું છે તેવું બહાર આવ્યા બાદ સરકારે તેની ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે પણ ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલીવરી પધ્ધતિ ઉપર પ્રતિબંધ મૂકવા તાકિદ કરી હતી. જેને લઇને બીજી જુલાઇથી શરૂ થતા વિધાનસભા સત્રમાં ગૃહ વિભાગ દ્વારા વિધેયક રજૂ કરીને સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ પ્રોહિબિશન એક્ટમાં સુધારો કરવામાં આવશે.

ઇ-સિગારેટના વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ ઉપર પ્રતિબંધ ઉપરાંત હીટ નોટ બર્ન ડિવાઇસ ઇ-નિકોટીન ફ્લેવર્ડ હુક્કા, ઇ-શીસા અને વેપ વિગેરે પણ ઓનલાઇન મંગાવી શકાશે નહીં કે તેની આયાત કરીને વેચી પણ શકાશે નહીં. હાલ ગુજરાતમાં ઓનલાઇન મંગાવવામાં પ્રતિબંધ નથી. જેનો દુરુપયોગ કરીને મોટા શહેરોમાં પાર્લર થકી મંગાવીને છૂટથી વેચાણ કરવામાં આવતું હતું.