ઇન્ડિયન અમેરિકન એટીટ્યુડનો સર્વે : ટ્રમ્પને માત્ર ૨૨% ભારતીય અમેરિકન જ મત આપી શકે છે…

USA : કોરોના મહામારી વચ્ચે પણ અમેરિકા અત્યારે ચૂંટણીનાં રંગે રંગાયેલું છે. પણ સાથે એ પણ ન ભુલવું જોઇએ કે અમેરિકામાં કોરોનાનો કહેર પણ સૌથી વધી રહ્યો છે અને તેમાં પણ ગુજરાતીઓની વધુ વસતિ છે તે રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ મોટાપાયે ફેલાયેલું છે. અમેરિકામાં અનેક ગુજરાતીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, અને અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાનાર છે. હાલનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન એકબીજાને હરીફાઇ આપવા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે, પણ તેની વચ્ચે અમેરિકામાં કોરોના જાણે ભુલઇ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીનાં આંકડા કહે છે કે, અમેરિકામાં ૨૪ કલાકમાં ૭૨,૦૦૦ નવા કેસ સામે આવી રહ્યા છે. તેનાં બે દિવસ પહેલાં ૬૮,૦૦૦ નવા કેસ એક દિવસમાં આવ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી હવે માત્ર બે સપ્તાહ દૂર છે અને તેના કારણે સમગ્ર તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં અટવાયેલું છે અને કોરોના પર ધ્યાન દેવાઇ રહ્યું નથી.
અમેરિકાનાં મોટાભાગનાં લોકો અને ભારતીય અમેરિકન્સ પણ એ વાત માને છે કે ટ્રમ્પ કોરોના સામે કોઇપણ પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થયા છે. વળી, અત્યાર સુધીનો ઇતિહાસ જોઇએ તો ભારતીયો ડેમોક્રેટ્‌સને જ મત આપતા આવ્યા છે. કોરોના અંગે પગલાં લેવામાં ટ્રમ્પની નિષ્ફળતા તેમને ગુજરાતી મત મેળવવામાં ભારે પડી શકે છે. એક સર્વે પ્રમાણે ગુજરાતી સહિત ભારતીયો આ વખતે પણ ટ્રમ્પને મત આપવાથી દૂર રહી શકે છે.
અમેરિકામાં દોઢ લાખથી વધુ ગુજરાતીઓ વસે છે. ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે મળીને ચૂંટણીનું કેમ્પેઇન કર્યું અને ભારત આવીને પણ પ્રચાર કર્યો. પણ તાજેતરમાં થયેલો ઇન્ડિયન અમેરિકન એટીટ્યુડ સર્વેમાં સામે આવ્યું છે કે, ૭૨ ટકા ભારતીય અમેરિકન ચૂંટણીમાં બાઇડનને મત આપી શકે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માટે માત્ર ૨૨ ટકા ભારતીય અમેરિકન મત આપી શકે છે. એટલે જો હજુ પણ ગુજરાતીઓની વધુ વસતી ધરાવતા રાજ્યોમાં બે સપ્તાહમાં કોરોનાને કાબુમાં લેવા પગલાં નહીં લેવાય તો ટ્રમ્પને તે ભારે પડી શકે છે.

  • Naren Patel