ઇંગ્લેન્ડે ટી૨૦માં સાઉથ આફ્રિકાને હરાવી ૩-૦થી જીતી લીધી સિરીઝ…

વેલિંગટન : ઇન મોર્ગનની કપ્તાનીમાં પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે અંતિમ ટી૨૦ ક્રિકેટ મેચમાં શાનદાર વિજય હાંસલ કરીને સાઉથ આફ્રિકાને આ સિરીઝમાં ૩-૦થી હરાવ્યું હતું. કેપટાઉનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ ક્રિકેટ મેચમાં મંગળવારે ડેવિડ મલાન અને જોઝ બટલરે વિક્રમી ભાગીદારી નોંધાવતાં ઇંગ્લેન્ડનો નવ વિકેટે વિજય થયો હતો. સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૧૭.૪ ઓવરમાં માત્ર એક વિકેટે ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો.
મેચ જીતવા માટે ૧૯૨ રનના ટારગેટ સામે રમતી ઇંગ્લેન્ડની ટીમ માટે જેસન રોય ચોથી ઓવરમાં જ આઉટ થઈ ગયો હતો. એ વખતે ઇંગ્લેન્ડનો સ્કોર ૨૫ રન હતો. ત્યાર બાદ મલાન અને બટલરે બીજી વિકેટ માટે ૧૬૭ રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. મલાને માત્ર ૪૭ બોલમાં ૧૧ બાઉન્ડ્રી અને પાંચ સિક્સર સાથે અણનમ ૯૯ રન ફટકાર્યા હતા. આમ તે માત્ર એક રન માટે સદીથી વંચિત રહ્યો હતો. જોઝ બટલરે ૪૬ બોલમાં અણનમ ૬૭ રન ફટકાર્યા હતા. તેણે પમ પાંચ સિક્સર ફટકારી હતી.
મલાન અને બટલર વચ્ચેની ૧૬૭ રનની ભાગીદારી ટી૨૦ ક્રિકેટમાં બીજી વિકેટ માટેની સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે. સાઉથ આફ્રિકા માટે ફાફ ડુ પ્લેસિસ અને વાન ડરે મજબૂત ભાગીદારી નોંધાવી હતી. બંનેએ ટીમનો સ્કોર ત્રણ વિકેટે ૬૪ રનથી ૧૯૧ સુધી પહોંચાડ્યો હતો. પ્લેસિસે ૩૭ બોલમાં ત્રણ સિક્સર સાથે બાવન રન ફટકાર્યા હતા તો વાન ડર ડુસાને તો માત્ર ૩૨ બોલમાં જ ૭૪ રન ફટકારી દીધા હતા. તેણે પાંચ બાઉન્ડ્રી અને પાંચ સિક્સર ફટકારી હતી. બંને ટીમ વચ્ચે હવે ચોથી ડિસેમ્બરે સિરીઝની પહેલી વન-ડે મેચ રમાશે.