આ કારણસર રાહુલ ગાંધીએ રેલી કર્યા વિના જ દિલ્હી પરત ફરવું પડ્યું

ndtv.com

લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે બિહારમાં એક રેલીને સંબોધન કરવા માટે જનારા હતા પરંતુ તેમને અધવચ્ચેથી જ પરત ફરવું પડ્યું હતું. જે વિમાનથી રાહુલ ગાંધી બિહારના પટના જનાર હતા તે અચાનક બગડી જતાં તેમને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. રાહુલ ગાંધી આજે બિહારના સમસ્તીપુર, ઓડિશા અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ રેલીઓને સંબોધિત કરનાર હતા, પરંતુ અચાનક વિમાનના એન્જિનમાં ખરાબી આવતાં દિલ્હી પરત ફરવું પડ્યું હતું. રાહુલ ગાંધીએ પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આજે પટના જતા સમયે અમારા વિમાનના એન્જિનમાં ખરાબી આવી છે. મજબૂરીને લીધે અમારે દિલ્હી પરત ફરવું પડ્યું. સમસ્તીપુર,બાલાસોર અને સંગમનેરની આજની જનસભાઓ મોડેથી ચાલુ થશે. આ અસુવિધા માટે માફી માગું છું.

ઉલ્લેખનીય છે લોકસભા ચૂંટણીના ચોથા ચરણમાં 29 એપ્રિલે મતદાન થનાર છે અને તેના માટે રાજકીય પક્ષો દ્વારા એક પછી એક રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી પણ દરરોજ એક પછી એક રેલીઓ કરીને સરકાર પર પ્રહાર કરીને લોકોને કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી રહ્યાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધી શુક્રવારે સૌથી પહેલા બિહારના સમસ્તીપુરમાં એક રેલીને સંબોધિત કરવાના હતા. આ સભામાં RJD નેતા તેજસ્વી યાદવ અને RLSP ના નેતા ઉપેન્દ્ર કુશવાહા પણ સામેલ થનારા હતા.