“આવનારી ચૂંટણીમાં મતદાતાઓએ જન ‘સેવક’ ની પરિભાષાઓ સમજવી પડશે….?”

  • “રાજનીતિમાં આવવા માગતા યુવાનોએ સૌથી પહેલાં શિસ્તના પાઠ શીખવા પડશે, નિઃસ્વાર્થી બનવું પડશે. અંગત હિત જોવાના બદલે સૌ કોઇનું હિત જોવું પડશે.”

જૂની પેઢી હવે વૃદ્ધ થઇ રહી છે ત્યારે અનેક યુવા નેતાઓ એ જન ‘સેવક’ સામે તૈયાર થવાની જરૂર છે પરંતુ યંગિસ્તા ન  કેવો કરતબ દેખાડે છે તે જોવા માટે રાહ જોવી પડશે.

ભારતમાં જુદા જુદા પક્ષના દસેક લાખ કાર્યકરો, નેતાઓ અને યુવાનો એવા છે કે જેઓ કંઈ જ નથી કરતા… પૂર્ણસમયના રાજકારણી છે સખત મહેનત કરી અભ્યાસ કરે, કારકિર્દીનું ઘડતર કરે તે માટેનું વાતાવરણ દેશમાં ઘડાવું જરૂરી છે. બધાનું લક્ષ્ય શોર્ટકટથી સંપત્તિ અર્જિત કરવાનું અને વીઆઇપી બનવાનું વધતું જાય છે. રાજનીતિ એક અટપટો વિષય છે. યુવાનોને રાજનીતિમાં સ્થાન હોવું જોઇએ અને મહિલાઓને પણ રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ સ્થાન હોવું જોઇએ એવી માંગ લાંબા સમયથી થઇ રહી છે. પણ રાજનીતિમાં યુવાનો જ યુવાનોની અને મહિલાઓ જ મહિલાઓની સમસ્યાઓ સમજી શકે તેવો તર્ક એક ચર્ચાનો વિષય છે. અમેરિકા એ વિશ્વનો શક્તિશાળી લોકતાંત્રિક દેશ છે પરંતુ આજ સુધી અમેરિકામાં એક પણ મહિલાને અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે સ્થાન મળ્યું નથી તે એક હકીકત હોવા છતાં અમેરિકામાં મહિલાઓ પર અત્યાચાર બહુ થાય છે તેવું દેખાયું નથી. એથી ઊલટું ભારત દેશમાં ક્યારેક એક મહિલા વડા પ્રધાન પણ બન્યા છે, એક મહિલા રાષ્ટ્રપતિ પણ બન્યાં છે, એક મહિલા વિદેશ મંત્રી પણ બન્યાં છે. મહિલા લોકસભામાં સ્પીકર પણ બન્યાં છે, એક મહિલા એક રાષ્ટ્રીય પક્ષનાં અધ્યક્ષા પણ બન્યાં છે અને અનેક મહિલાઓ મુખ્યમંત્રી પણ બન્યાં છે છતાં ભારતમાં છાશવારે સ્ત્રીઓ પર બળાત્કારની ઘટનાઓ કેમ ઘટતી નથી એ ચિંતાનો વિષય છે. એવું જ યુવાનોનું છે. ‘જે યુવાનો રાજનીતિમાં આવવા માંગે છે તેમણે કોઇ નાણાંકીય કે રાજકીય ફાયદા માટે જ રાજનીતિમાં આવવું હોય તો તેઓ રાજનીતિમાં ના આવે. તેઓ સમાજ માટે સાચા કામો કરવા માટે જ જાહેરજીવનમાં આવવાનું લક્ષ્ય રાખવું જોઇશેો.’‘પૈસો એ જ સર્વસ્વ- સબકુછ નથી. એનું મહત્ત્વ ઘણું ઓછું છે, તમે પૈસો ગુમાવી પણ શકો છો અને ફરી પૈસા કમાઇ પણ શકો છો. સન્માનની સામે પૈસો કાંઇ જ નથી. પૈસા માટે ચારિત્ર્યનું સમાધાન કરી શકાય નહીં. આપણી અગાઉની પેઢીઓ વધુ સર્મિપત હતી. હું નવી પેઢીને વિનંતી કરું છું કે તેઓ પૂર્વની પેઢી પાસેથી કાંઇક શીખે. અગાઉના રાજનેતાઓ ખૂબ પરિશ્રમ કરતા હતા, નિઃસ્વાર્થ હતા. તેઓ કદીયે કોઇ લાલચ પ્રત્યે આકર્ષાતા નહોતા, પૈસા પ્રત્યે પણ નહીં.’

કોઇ પણ પક્ષમાં જઇ ત્યાં તમે સારું કામ કરશો તો ત્યારે લોબિંગ કરવાની કોઇ જ જરૂરત રહેશે નહીં. તમે જરૂર સિનિયર નેતાઓની નજરમાં આવશો જ, પછી ભલે તે પંચાયતોની ચૂંટણી હોય કે લોકસભાની. તમે જ ભવિષ્યમાં દેશને ચલાવશો. એ માટે તમારે ઉતાવળીયા થવાની જરૂર નથી.

વિએતનામના પ્રમુખ સ્વ. હો ચી મિન્હને તેની ભારતની મુલાકાત દરમ્યાન જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિ મંડળ મળવા માટે ગયેલા. હો ચી મિન્હ બધા સાંસદો અને નેતાઓ પૂછતાં કે, ‘તમે શું કરો છો ?’ કાર્યકરોથી માંડી નેતાઓનો લગભગ એકસમાન ઉત્તર રહેતો કે, ‘રાજનીતિ.’ બધાને હો ચી મિન્હનો આ પ્રશ્ન અજુગતો અને આશ્ચર્યજનક લાગતો હતો.

કાર્યકરો અને નેતાઓને હવે મનોમન શરમ આવી. તેઓને થયું કે હો ચી મિન્હને કોણ સમજાવે કે રાજનીતિથી મોટો કોઈ ઉદ્યોગ નથી. આમ જનતા મહેનતની કમાણી બેંક ડિપોઝીટમાં મુકે તો ૧૫ વર્ષે ડબલ થાય જ્યારેે ભારતના રાજનીતિમાં પ્રવેશવાથી શૂન્યમાંથી એકડા પાછળ નવ- દસ મીંડા પાંચ વર્ષમાં ફેરવાઈ જાય છે. પછી તો તેના પ્લેટફોર્મ પર ચેક અને સ્વિસ બેંકનું ખાનું નાનું પડે છે. હો ચી મિન્હે રાજકારણીઓના પ્રતિનિધિ મંડળને તેના પ્રશ્ન અંગેનો ફોડ પાડતા કહ્યું કે, ‘હું રાષ્ટ્રપતિ તો મારી સોંપાયેલી દેશ સેવાની ફરજના ભાગરૂપે છું. પણ મને ખરો આનંદ ધરતી જોડે રહેવામાં આવે છે. મારા બાપ- દાદા ખેતમજૂર હતા હું તેઓ જોડે મજૂરીમાં જોડાતો, તેઓ હાથ પગે છાલા પાડીને જમીનના ટુકડાના માલિક બન્યા હતા. હું ખેડૂત છું ખેતી કરવાની સાથે ગામડાના પ્રશ્નોની સત્તાધીશો સમક્ષ રજૂઆત કરતા લોકપ્રતિનિધિ બન્યો. ખેતમજૂરી સાથે શિક્ષા પણ લીધી હોઈ ગ્રામ્યજનોની વેદનાને લેખિતમાં વાચા આપતો હતો.

રાષ્ટ્રપતિ ભવનની દેખભાળ જેમ માળી કરે તેમ હું મારા ગામની જમીનમાં જઈને શનિ- રવિની રજામાં જઈને આજે પણ ખેતી કરું છું તેમાં જે અનાજ પાકે તેને બજારમાં વેચીને ભરણપોષણ કરું છું. ખેતી મારો વ્યવસાય છે.” ખરેખર કાર્યકર કે રાજકારણીઓને ફૂલટાઇમ રાજનીતિ બારેમાસ કરવાની જરૂર જ નથી હોતી. નાગરિકોના પ્રશ્નો ઉપર સુધી પહોંચાડી  તેની પૂર્તિ થાય તેના પર નજર રાખવાની હોય છે. બહુ તો ચૂંટણી વખતે વિશેષ સક્રિય રહેવું પડે છે.

એક માહિતી પ્રમાણે ભારતમાં અંદાજે ૧૦ લાખ નાગરિકો એવા છે જેઓ કંઈ જ કરતા નથી અને પૂર્ણ સમય રાજનીતિ કરે છે. તેઓ કોઈ કારકિર્દી, વ્યવસાય કે પ્રદાન નથી આપતા. તમે દેશભરના આવા નાગરિકોને હો ચિ મિન્હની જેમ પૂછો તો એકદમ ઝંખવાણા અને અપમાન મહસૂસ કરતા કેહેશે કે, ‘શું કરીએ છીએ એટલે? રાજનીતિ, સમાજ સેવા, વિદ્યાર્થી સેવા… ન્યાય અપાવવાની સેવા…’ આમાંના ૬૦ ટકા માથાભારે તત્ત્વો હોય છે જેને જોઈને કહી શકાય કે પાંચ-દસ વર્ષમાં ચૂંટણી લડવાની ટિકિટ કે પક્ષનો હોદ્દો તેઓને મળશે. ૧૦ ટકા બેગાની શાદી અબ્દુલ્લા દિવાના જેવા અને બાકીના ૩૦ ટકા એક્ટિવિસ્ટો જેવા હોય છે.

મૂળ વાત એ છે કે તેઓ આજીવિકા માટે કંઈ કરતા નથી. તેમના ઘરમાં સંતાનોની ફી માટેની ઉઘરાણીની શાળા તરફથી નોટિસોના પત્ર આવતા હોય, ઘરના પાણીની પાઇપ લીક થવાની પત્ની કેટલાય દિવસોથી ફરિયાદ કરતી હોય, સ્કૂટર ચલવાતા કરતા તેને  દોરીને આવતા હોય તેવા દ્રશ્યો વધુ જોવા મળે છતાં આવા રાજનીતિના નાગરિકો ગામના પ્રશ્નોની અરજીઓ લઈને કચેરીએ ધક્કા ખાતા હોય છે. તેઓ વિકાસ વિરોધી અને અન્યના સુખે પીડિત બનીને આર્થિક વિચારસરણીના સૂર છેડે છે.

મમતા બેનરજી એક સભામાં કહ્યું હતું કે ‘મેં મારા વરિષ્ઠ નેતાઓ પાસે જઇ મારી કારકિર્દી માટે મેં કદીયે લોબિંગ કર્યું નથી. હું તમારા જેવડી હતી ત્યારે આજે તમને યુવાનોને જે મહત્ત્વ મળે છે એટલું મહત્ત્વ મારી યુવાનીમાં યુવાનોને મળતું નહોતું. એથી ઊલટું આજે અમે તમને-યુવાનોને ખૂબ મહત્ત્વ આપીએ છીએ.’’યાદ રાખો કે શિસ્ત, સંયમ, સમર્પણ અને સારા કાર્યોનો કોઇ જ વિકલ્પ નથી. પૈસા ફરી કમાઇ શકે છે, પ્રતિષ્ઠા નથી. આગળ આવવા માટે ઉતાવળ ના કરો. તમને જે જવાબદારી સોંપવામાં આવે તેને નિષ્ઠાપૂર્વક અદા કરો. સોશિયલ મીડિયા પર સક્રિય રહો અને તેની પર ફેલાવવામાં આવતા જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી લોકો સમક્ષ સત્ય મૂકો.’

  • પિન્કેશ પટેલ – “કર્મશીલ ગુજરાત” – નવામુવાડા, લુણાવાડા, મહીસાગર