આર્થિક મંદી બાબતે સરકારનું મૌન ખૂબ જ જોખમી છે : પ્રિયંકા ગાંધી

મંદી માટે મોદી સરકાર પાસે નતો ઉકેલ છે નતો દેશવાસીઓને વિશ્વાસ અપાવવાનું બળ છે…

ન્યુ દિલ્હી,
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર મંદીને લઇને નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશમાં દરરોજ મંદીના સમાચાર આવે છે અને તેના પર ભાજપ સરકારનું જે મૌન છે તે ખૂબ જ જોખમી છે. મોદી સરકાર પાસે નતો ઉકેલ છે નતો દેશવાસીઓને વિશ્વાસ અપાવવાનું બળ છે.
પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કર્યું હતું કે, કાઉન્ટડાઉનઃ દરરોજ મંદીના સમાચાર અને પ્રત્યેક દિવસે ભાજપ સરકારનું આના પર મૌન, બન્ને ખૂબ જ જોખમી છે. આ સરકાર પાસે નતો ઉકેલ છે નતો દેશવાસીઓને વિશ્વાસ અપાવવાનું બળ છે. માત્ર બહાનાબાજી, નિવદેનબાજી અને અફવાઓ ફેલાવવાથી કામ નહીં ચાલે.
પ્રિયંકા ગાંધીએ આ ટ્‌વીટની સાથે એક વેબસાઇટના અહેવાલને પણ ટાંક્યો હતો જેમાં ઓટો સેક્ટરની ખરાબ સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમાચામાં જણાવવામાં આવ્યું છે કે, ઓટો સેક્ટરમાં ખાનગી વાહનોની સાથે-સાથે વ્યવસાયિક સેગમેન્ટના વાહનોના વેચાણમાં ભારે ઘટાડો થયો છે. દેશના ચાર મોટા કોમર્શિયલ વાહનોના નિર્માતા તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, વોલ્વો આયશર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ ઓગસ્ટમાં ૫૯.૫ ટકા સુધી ઘટીને ૩૧,૦૬૮ યુનિટ થઇ ગયું છે.