આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓના વાલીઓનો ડીઇઓ કચેરીએ હોબાળો…!

  • શૈક્ષણિક સત્ર ચાલુ થઇ ગયું હોવા છતાં શાળાઓમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ધસી ગયા

વડોદરા,

છેલ્લા દોઢ માસના ઉનાળુ વેકેશન બાદ આજથી મોટા ભાગની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં કેમ્પસો વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા હતા. તો બીજી બાજુ આર.ટી.ઇ. હેઠળ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થી વાલીઓએ ડી.ઇ.ઓ. કચેરીમાં ધસી જઇ હોબાળો મચાવ્યો હતો.

દોઢ માસ બાદ શાળાએ ગયેલા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ જે બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઇ.) હેઠળ શાળાઓમાં પ્રવેશ મળ્યો નથી. તેવા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. શૈક્ષણિક સત્ર ચાલુ થઇ ગયું હોવા છતાં શાળાઓમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ધસી ગયા હતા. અને બાળકોને પ્રવેશ આપો તેવા સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો.

શાળાઓમાં પોતાના બાળકોને પ્રવેશ ન મળતા ચિંતાતૂર બની ગયેલા વાલીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ડી.ઈ.ઓ. કચેરી ખાતે ધસી ગયા હતા. પહેલાં અમને બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવાની વાત કરી હતી. પરંતુ, હવે હાથ અદ્ધર કરી દીધા છે. ત્યારે હવે અમારા બાળકોને ક્યાં અભ્યાસ કરાવવો તે મોટો સવાલ ઉભો થયો છે.