આપણું ‘‘માસ્ક’’ એ જ આપણું વેક્સીન છે : જિલ્‍લા કલેકટર આર.જી.ગોહિલની જિલ્‍લાના નાગરિકોને અપીલ…

માસ્‍ક વગર બહાર નીકળીશું નહીં સામાજિક અંતરનું પાલન કરીશું અને વારંવાર સાબુથી હાથ ધોતા રહીશું તેનાથી પ્રતિજ્ઞાબધ્‍ધ થવા…

આણંદ : સમગ્ર વિશ્વ આજે જ્યારે કોરોના સામે લડી રહયું છે ત્‍યારે કોરોનાની આ પરિસ્થિતિમાં આપણે ડરવાનું નથી, પરંતુ સાવચેત જરૂર રહેવાનું છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન શોધાય ત્યાં સુધી આપણું ‘‘માસ્ક’’ એ જ આપણું વેક્સીન છે.

કોરોનાના આ સમયનો આપણે બધાએ સામનો કરવાનો છે. આપણે આપણા માટે, આપણા ભવિષ્ય માટે આપણે આજે જેટલી ચિંતા કરીશુ તેટલું આપણા બાળકો – પરિવારજનો માટે સારૂં છે.

જિલ્‍લા કલેકટર શ્રી આર. જી.ગોહિલે  જિલ્‍લાના નાગરિકોને હું માસ્‍ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ, મારી તથા મારા સ્‍વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર  પધ્‍ધતિઓ અપનાવીશ અને યોગ-વ્‍યાયામ ઇત્‍યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખવા પ્રતિ પ્રતિજ્ઞાબધ્‍ધ થવા અપીલ કરી છે.

આમ છતાં પણ કોઈ વ્યક્તિને જ્યારે પણ કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ કોઇપણ જાતનો ડર રાખ્‍યા સિવાય  ટેસ્ટ કરાવવો જોઈએ. ટેસ્ટ કરાવવામાં જરાપણ અચકાવુ નહી. આપણે જો કોરોના પોઝીટીવ હોઇશું  અને જો ટેસ્ટ નહી કરાવીએ તો આપણી આ એક ભૂલથી આપણે આપણા પરિવારજનો કે અન્ય વ્યક્તિઓ આપણાથી સંક્રમિત બનશે. તેથી જ આપણે સૌએ જરૂર પડયે તુરત કોરોના ટેસ્ટ કરાવી ભારતવર્ષના એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બજાવવી એ આજના સમયની માંગ છે.