આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો શું થાય? તેનું સ્તર કેટલું હોવું જોઈએ ? એ જાણવું જરૂરી…

શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો શું થાય? આવા અનેક સવાલો છે જેના જવાબ તમે જાણવા ઈચ્છો છો…

આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર ૯૪ અને ૧૦૦ની વચ્ચે હોવું જોઈએ : ૯૪ ની નીચે આવે તો સારવાર લેવાની જરૂર ઊભી થાય છે…

આણંદ : કોરોનાના દર્દીને ખ્યાલ પણ ન આવે એ રીતે અચાનક તેના શરીરમાં ઓક્સિજનનું લેવલ તદ્દન નીચે આવી જાય છે. આવી સ્થિતિ દર્દી માટે અતિ જોખમી બને છે. આવી હાલતમાં દર્દીનું મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી હોય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને સાયલન્ટ હાઈપોક્સિયા કહેવામાં આવે છે.

આપણા ફેફસાં શરીરને ઓક્સિજન આપતું એકમાત્ર માધ્યમ છે. આપણે જાણીએ છીએ કે ફેફસાં ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. જ્યારે ફેફસાંમાં શ્વાસ લેવામાં તકલીફોને લીધે ઓક્સિજન ન લઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ન કાઢી શકે ત્યારે, હાયપોક્સિયા પણ હાયપરકેપ્નીઆ નામની સ્થિતિ સર્જે છે. જ્યારે શ્વાસ લઈ ન શકાય, ત્યારે કાર્બન ડાયોક્સાઈડ બહાર ન નીકળી શકવાના કારણે લોહીના પ્રવાહમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું અસંતુલન ઉભુ થાય તેને હાયપરકેપ્નીઆ કહેવાય છે, આવી સ્થિતિ નિવારવા પલ્સ ઓક્સિમીટર મદદગાર બને છે. તો ચાલો, આજે વાત કરીએ પલ્સ ઓક્સિમીટર વિષે. આ નાનકડી ડિવાઈસ ખરેખર આટલી બધી ઉપયોગી છે? શા માટે તે જરૂરી છે?

ઓક્સિમીટરની જરૂર કોને અને શા માટે ?

આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર ૯૪ અને ૧૦૦ની વચ્ચે હોવું જોઈએ. જો આ સ્તર ૯૪ ની નીચે આવે તો સારવાર લેવાની જરૂર ઊભી થાય છે. તેમજ ૭૫ થી ઓછું હોય તો શરીરની સ્થિતિ ગંભીર હોવાનું દર્શાવે છે. હાલના કોવિડ પોઝિટીવ દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય ત્યારે તેમને કોઈ લક્ષણો જોવાં મળતાં નથી. એટલે જ આ સ્થિતિમાં ઓક્સિમીટર આશિર્વાદરૂપ બને છે. અને સહેલાઇથી ઓક્સિજન ચેક કરી સમયસર સારવાર લેવામાં મદદરૂપ બને છે. કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિને કોરોના વાયરસનું ઇન્ફેકશન થાય ત્યારે તેનું ઓક્સિજન લેવલ ઘટીને ૯૪ થી નીચે જઈ રહ્યું હોય તો તેણે તકેદારી રાખી તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

શું છે સાયલન્ટ હાઈપોક્સિયા?

હાયપોક્સિયા એ એવી સ્થિતિ છે જેમાં શરીરના કોષો અને માંસપેશીઓ પર્યાપ્ત ઓક્સિજન સપ્લાયથી વંચિત રહે છે. સાદી ભાષામાં કહીએ તો લોહીમાં ઓક્સિજનનું ઓછું પ્રમાણ હોવું એ હાયપોક્સિયા કહેવાય. સામાન્ય રીતે તે આખા શરીર અથવા શરીરના કોઈ ભાગને અસર કરે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન નોર્મલ હોવાં છતાં પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ મૃત્યુ પામતાં મોટા ભાગના દર્દીઓમાં તેની અસર જોવા મળી છે. જેમ જેમ હાયપોક્સિયાની અસર વધે છે તેમ તેમ દર્દી શરીર પરનો કાબુ, માનસિક ચેતના અને હલનચલન ગુમાવી બેસે છે. સાયલન્ટ હાઈપોક્સિયા દર્દીના મગજ, લીવર અને અન્ય અવયવોને ગણતરીની મિનિટોમાં ભારે નુકસાન પહોંચાડે છે.

જ્યારે સામાન્ય વ્યક્તિમાં ઓક્સિજન નિયત પ્રમાણ કરતાં નીચે જાય ત્યારે ચક્કર, થાક, ખેંચ, તીવ્ર શ્વાસોચ્છવાસ, પરસેવો થવો, મોં માં પાણી આવવું જેવાં લક્ષણો વર્તાય છે, પરંતુ ચિંતાજનક એ છે કે મહત્તમ કોરોના સંક્રમિત વ્યક્તિમાં આ લક્ષણો જોવાં મળતાં નથી. જેથી સમયસર સારવાર મેળવવામાં મુશ્કેલી પડે છે. આવા સમયમાં ઓક્સિમીટર ખુબ ઉપયોગી બની રહે છે.

શરીરમાં ઓક્સિજનનો અભાવ કોરોના દર્દીઓ માટે ઘાતક બને છે

ઓક્સિજનનું લેવલ નીચે જવું એટલે કે હાયપોક્સિયાની સ્થિતિમાં સમયસર હોસ્પિટલ પહોંચી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવાની સારવાર મેળવવી અગત્યની હોય છે. ઓક્સિમીટર દ્વારા અવારનવાર શરીરમાં ઓક્સિજનનું લેવલ ચેક કરવામાં આવે અને જો લેવલ નીચુ હોય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવામાં આવે તો મૃત્યુના મુખમાં જતાં બચી શકાય છે.