આનંદો… અંતે કેરળમાં મેઘરાજાનું આગમન

  • મધ્ય અને ઉત્તર ભારતમાં મંગળવાર સુધી હીટવેવની હવામાન વિભાગની આગાહી…

  • કેરળમાં ચોમાસાની નિયત સમય કરતાં એક અઠવાડીયું મોડી એન્ટ્રી,૧૦ જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી ૨૪ કલાકમાં પૂર્વોત્તરના ત્રિપુરા સુધી ચોમાસુ પહોંચવાની શક્યતા,ગરમીથી ત્રસ્ત લોકોએ હાશકારો મેળવ્યો

તિરુવનંતપુરમ્‌,
અંદાજે એક સપ્તાહ મોડું આખરે શનિવારના રોજ ચોમાસાએ કેરળના દરિયાકિનારે દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગે એ શનિવારના રોજ તેની જાહેરાત કરી. આઇએમડીના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ચોમાસાએ આજે (૮ જૂન) કેરળમાં દસ્તક દઇ દીધી છે. કેરળના તમામ વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થઇ ગયો છે. આમ તો ચોમાસાની સીઝનમાં કુલ થયેલા વરસાદથી કોઇ સંબંધ નથી. ચોમાસાએ દસ્તક દેવામાં મોડું કરતાં સીઝનમાં વરસાદ પણ ઓછો થશે એ જરૂરી નથી. જો કે કેરળમાં ચોમાસું મોડું પહોંચતા દેશના બીજા હિસ્સામાં મોનસુન મોડું પહોંચશે. જ્યારે ગુજરાતમાં ૧૩મી જૂનની આજુબાજુ વરસાદ દસ્તક દે તેવી સંભાવના છે. ચોમાસું આગામી ૨૪ કલાકમાં પૂર્વોત્તરના ત્રિપુરામાં પ્રવેશ કરે તેવી પણ શક્યતા છે. સ્કાઈમેટે આ વર્ષે ૯૩ ટકા અને હવામાન વિભાગે ૯૬ ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે.
હવામાન વિભાગે ૯ જૂનના રોજ કેરળના આઠ જિલ્લા તિરુવનંતપુરમ, કોલમ, અલાપુઝા, કોટટ્યમ, અર્નાકુલમ, ત્રિશુર, માલાપ્પુરમ અને કોઝિકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ૧૦ જૂને ત્રિશુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અર્નાકુલમ, મલાપ્પુરમ અને કોઝિકોટ જિલ્લામાં ૧૧ જૂને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગત વર્ષે ઑગસ્ટ મહિનમાં આવેલા વિનાશક પૂરના કારણે કેરળમાં ૩૫૦ લોકોનાં મોત થયા હતા.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, દેશના મોટાભાગના વિસ્તારોને હજુ એક અઠવાડિયા સુધી ગરમીનો સામનો કરવો પડશે. કેરળમાં ચોમાસું એક અઠવાડિયા વિલંબથી પહોંચવાનું હોવાથી તેને મધ્ય અને પશ્ચિમ પ્રાંતો સુધી પહોંચવા માટે ઓછામાં ઓછા સાત દિવસનો સમય લાગશે. ચોમાસું ૧૦ જૂન સુધી કર્ણાટકમાં પહોંચી શકે છે. હૈદરાબાદ અને પૂર્વોત્તર સિક્કિમમાં ૧૧ જૂને વરસાદ પડી શકે છે. બીજી બાજુ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ૧૫ જૂન પછી ચોમાસું પહોંચવાની સંભાવના છે.
આ રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ૪૬.૮ ડિગ્રી તાપમાન શુક્રવારે નોધાયુ હતુ. રાજસ્થાનના બાડમેર, કોટા અને બીકાનેરમાં પણ ૪૫ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય રીતે ૨૯ જૂનની આસપાસ ચોમાસુ બેસે છે પરંતુ હવામાન ખાતાએ ગુરુવારે જણાવ્યું હતું કે ૨થી ૩ દિવસનું મોડું થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ સામાન્ય રહે તેવી શક્યતા છે.