આણંદ : સફળતાપૂર્વક યોગ ટ્રેનિંગ પૂર્ણ કરનાર ૦૩ યોગ કોચ અને ૧૭ યોગ ટ્રેનરને પ્રમાણપત્રો એનાયત…

આણંદ : ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય એ માટે યોગ અંગેની તાલીમ યોગ ટ્રેનરોને અને યોગ કોચને આપવામાં આવે છે.

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગની તાલીમને પણ પ્રોત્‍સાહન આપવામાં આવે છે. જેના ભાગરૂપે સમગ્ર રાજયમાંથી શ્રેષ્‍ઠ યોગ પ્રશિક્ષકોની પસંદગી કરીને એમનું સન્‍માન કરવામાં આવે છે.

ગાંધીનગર ખાતે આજે મુખ્‍ય મંત્રીશ્રીના નિવાસસ્‍થાને ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ અને યોગ ટ્રેનર પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો.

આ ઓનલાઇન સમારોહમાં  આણંદ ખાતે કલેકટર કચેરીના વિડિયો કોન્‍ફરન્‍સીંગ હોલમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ પણ જોડાયા હતા.

ગાંધીનગર ખાતે મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા બાદ આણંદ જિલ્‍લાના સફળતાપૂર્વક યોગ ટ્રેનીંગ પૂર્ણ કરનાર ૦૩ યોગ કોચ અને ૧૭ યોગ ટ્રેનરોને આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના હસ્‍તે પ્રમાણપત્ર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે યોગ કોચ અને ટ્રેનરો સાથે વાર્તાલાપ કરી યોગનો વધુને વધુ વ્‍યાપ વધે તેમજ હાલના કોરોનાના સમયમાં નાગરિકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે વધુને વધુ નાગરિકો યોગ સાથે જોડાય તેવા પ્રયાસો કરવા સુચવ્‍યું હતું.

આ પ્રસંગે જિલ્‍લા રમત-ગમત અધિકારીશ્રી,  યોગ કોચ અને ટ્રેનરો હાજર રહ્યા હતા.