આણંદ-વિદ્યાનગરમાંથી ચોરી થયેલ ૯ બાઈકો સાથે એક શખ્સ ઝડપાયો : ૧.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો…

આણંદ : શહેર તથા વિદ્યાનગરમાંથી ચોરી થયેલ ૯ બાઈકો સાથે એક શખ્સને ઝડપી પાડી રૂ. ૧,૬૨,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરી ગુનાઓનો ભેદ આણંદ ટાઉન પોલીસ સર્વેલન્સ સ્કવોર્ડે ઉકેલી નાખેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ અને વલ્લભ વિદ્યાનગરમાં મોટરસાયકલ ચોરીના વધતા જતા બનાવોને લઈને પોલીસ અધિક્ષક અજીત રાજીયાણ અને ડીવાયએસપી બી. ડી. જાડેજાએ ટાઉન પોલીસને આપેલી સુચના અને માર્ગદર્શન અનુસાર ટાઉન પીઆઈ વાય. આર. ચૌહાણનાઓએ સર્વેલન્સ સ્ક્વોર્ડના પીએસઆઈ કે. જી. ચૌધરીને તપાસમાં રહેવા સુચના આપી હતી. જે અંતર્ગત પીએસઆઈ કે. જી. ચૌધરી અને સ્ટાફ શહેરના વ્યાયામ શાળા સામે વાહન ચેકીંગમાં હતા ત્યારે આણંદ શહેરમાં ગોપી ટોકીઝની સામે ઈન્દિરાનગરીમાં રહેતો અને મુળ દાહોદ જીલ્લાના આંબાભુરી કોતરડી ગામનો સુનીલભાઈ કલસિંગભાઈ બારીયા નંબરપ્લેટ વગરનું મોટરસાયકલ આવતા પોલીસે તેને રોકી તેની પુછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેમજ તેની પાસે મોટરસાયકલના દસ્તાવેજો પણ હતા નહી. જેથી ઈ-ગુજકોપ એપ્લીકેશનમાં તપાસ કરતા મોટરસાયકલનો નંબર મળી આવ્યો હતો. જેને આધારે તપાસ કરતા આ મોટરસાયકલ ચોરીની હોવાનું જણાયું હતું. જેથી પોલીસે સુનીલભાઈ બારીયાની પુછપરછ કરતા તેણે આ મોટરસાયકલ આજથી બે માસ પુર્વે શહેરમાં સુરભી હોટલ પાછળથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત તેણે આણંદ શહેરમાંથી છ, વલ્લભ વિદ્યાનગરમાંથી એક અને દાહોદ જીલ્લાના લીમડી શહેરમાંથી બે મોટરસાયકલો મળી ૯ મોટરસાયકલો ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની પાસેથી ચોરીની ૯ મોટરસાયકલો કિં.રુા. ૧.૬૨ લાખની કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી છે. આ અંગે આણંદના ડીવાયએસપી બી. ડી. જાડેજાએ જણાવ્યું હતું કે પકડાયેલો આરોપી સુનીલભાઈ જુના બાઈકોમાં ઘસાઈ ગયેલા લોકમાં ચાવી લગાવી તેમજ લોક વગરના બાઈકોમાં જુની ચાવી લગાવી મોટરસાયકલની ચોરીઓ કરતો હતો.