આણંદ : રાસનોલ ગામના વાજબી ભાવના દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરાયો :  ૧.૬૬ લાખનો દંડ

આણંદ : જિલ્‍લાના રેશનકાર્ડ ધારકોને આવશ્‍યક ચીજવસ્‍તુઓનો જથ્‍થો સમયસર મળી રહે તે માટે જિલ્‍લાની ૬૭૪ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દ્વારા જરૂરી ચીજવસ્‍તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉનના સમયગાળામાં પણ દુકાનદારો દ્વારા ઉત્‍કૃકષ્‍ટ કામગીરી કરવામાં આવી હતી. આમ છતાં પણ કેટલાક દુકાનદારો દ્વારા એપ્રિલ અને મે માસના લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. આવી બેદરકારી દાખવનાર સામે જિલ્‍લા પુરવઠા તંત્ર દ્વારા નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહીના ભાગરૂપે આણંદ તાલુકાના રાસનોલ ગામના વાજબી ભાવના દુકાનદાર ગણપતભાઇ બી. પરમાર દ્વારા એપ્રિલ માસમાં લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્‍લી ન રાખી વિતરણ કરવામાં આવતું ન હોવાનું ફરિયાદ મળી હતી.

આ ફરિયાદના આધારે આણંદ ગ્રામ્‍ય મામલતદાર શ્રી આર. બી. પરમાર અને તમની ટીમ દ્વારા દુકાન પર પહોંચી તપાસ કરવામાં આવતાં લોકડાઉન સમયના એપ્રિલ માસમાં વિતરણના પ્રથમ દિવસે જ દુકાન બંધ હોવાનું જણાઇ આવ્‍યું હતું તથા આ અંગે દુકાનદારને પૂછતાં તેણે એપ્રિલ માસનો જથ્‍થો માર્ચ માસમાં વિતરણ કરી દીધો હોવાનું જણાવેલ.

આ બાબતે મામલતદાર દ્વારા દુકાનની વિગતવાર તપાસ કરતાં તથા રેશનકાર્ડ ધારકોના નિવેદન લેતાં જણાઇ આવ્‍યું હતું કે, દુકાનદાર દ્વારા એપ્રિલ માસનો વિનામૂલયે આપવાનો જથ્‍થો રેશનકાર્ડધારકોને આપવામાં આવેલ નથી. તથા દુકાનદાર દ્વારા નિભાવવાના થતા જરૂરી રેકર્ડ પણ નિભાવ્‍યા ન હોવાનું જણાઇ આવતાં આણંદ ગ્રામ્‍યના મામલતદાર શ્રી આર.બી.પરમારે જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાને અહેવાલ રજૂ કર્યો હતો.

જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી બામણિયાએ આ અહેવાલ મળતાં દુકાન સાથે જોડાયેલા ૧૦૦ ટકા રેશનકાર્ડ ધારકોની ચકાસણી કરવા મુખ્‍ય પુરવઠા નિરીક્ષક શ્રી વી. એમ. પટેલ તથા પુરવઠા નિરીક્ષક
શ્રી એન. બી. પટેલની ટીમને તપાસ કરી અહેવાલ રજૂ કરવા જણાવતાં આ ટીમે જે અહેવાલ રજૂ કર્યો હતો તે અહેવાલના આધારે જણાઇ આવ્‍યું હતું કે વાજબી ભાવના દુકાનદાર ગણપતભાઇ બી. પરમાર દ્વારા એપ્રિલ માસના જથ્‍થાના વિતરણમાં પણ ગંભીર ક્ષતિઓ જણાઇ આવી હતી આ ઉપરાંત દુકાનદાર દ્વારા નિભાવવાના થતાં જરૂરી રેકર્ડ પણ નહીં નિભાવીને દુકાનદાર દ્વારા ગંભીર બેદરકારી દાખવી હોવાનું જણાઇ આવ્‍યું હતું.

આમ, જરૂરિયાતમંદ રેશનકાર્ડધારકોને રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદાના તેઓના અધિકારના આવશ્‍યક ચીજવસ્‍તુના જથ્‍થાથી વંચિત રાખવા બદલ તેમજ જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને ખોરંભે પાડવાની ગંભીર બેદરકારી દાખવનાર રાસનોલના વાજબી ભાવના દુકાનદાર ગણપતભાઇ બી. પરમારનો જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાએ આવશ્‍યક ચીજવસ્‍તુ અધિનિયમ હેઠળ કાયમી ધોરણે રદ કરીને  તથા નિયમાનુસાર રૂા. ૧,૬૬,૭૦૫/-નો દંડ કરવામાં આવ્‍યો હોવાનું જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.