આણંદ : પિતાની છત્રછાયા ગુમાવનાર ચંદ્રકાંતના જીવનમાં સ્પો્ન્સરશીપ યોજનાએ પ્રાણ પૂર્યો…

સ્‍પોન્‍સરશીપ યોજના મારા જીવન અને કારકીર્દિ ઘડતર માટે આશીર્વાદ બની રહેશે : ચંદ્રકાંત મકવાણા

વર્તમાન સમયમાં આજે દરેક માતા-પિતા એવું ઇચ્‍છતા હોય છે કે, ભલે અમે ઓછું ભણ્‍યા પણ મારૂં બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્‍ચ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે કે જેથી અમે જે મુશ્‍કેલીઓ વેઠી છે તેવી મારા પુત્ર-પુત્રીને પડે નહીં. પરંતુ કુદરત આગળ માનવજીવન પામર છે. જયારે ઘરની કમાનાર પુરૂષ  વ્‍યકિત આકસ્‍મિક રીતે અવસાન પામે છે ત્‍યારે પરિવાર પર જાણે કે આફત આવી પડતી હોય છે તેટલું જ નહીં પણ બાળકના શિક્ષણ અને ભરણપોષણની માતાને સતત ચિંતા સતાવતી રહી છે.

આના કારણે ઘણીવાર ઘરના કમાનાર વ્‍યકિતનું આકસ્‍મિક અવસાન થાય ત્‍યારે આવા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો શિક્ષણથી વંચિત રહેવા ન પામે અને સારામાં સારૂં શિક્ષણ મેળવે તે માટે રાજય સરકારના બાળ સુરક્ષા વિભાગ દ્વારા આવા બાળકો માટે સ્‍પોન્‍સરશીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

રાજય સરકાર સમાજનું કોઇપણ બાળક શ્રેષ્‍ઠ શિક્ષણથી વંચિત ન રહે અને બાળકને સારામા સારૂં શિક્ષણ પ્રાપ્‍ત થઇ રહે અને તેનું જીવન ઘડતર થાય તે માટે સતત પ્રયત્‍નશીલ રહે છે. આવી જ કંઇક વાત કરવી છે, આણંદ જિલ્‍લાના  ચિખોદરા ગામમાં રહેતા શારદાબેન  મુળજીભાઇ મકવાણાની. શ્રીમતી શારદાબેન મુળજીભાઇ મકવાણા કે જેઓ આંગણવાડીમાં હેલ્‍પર તરીકેની ફરજ બજાવે છે. તેમના પતિ મુળજીભાઇનું આકસ્‍મિક અવસાન થતાં જાણે કે તેમના પર આભ તૂટી પડયું હતું.

શ્રીમતી શારદાબેનના પતિનું અવસાન થતાં શ્રીમતી શારદાબેનને તેમના દિકરા ચંદ્રકાંતના ઉછેરની સાથે તેને ઉચ્‍ચ શિક્ષણ મળી રહે તે માટે સતત ચિંતિત રહેતા હતા અને દિવસ-રાત પોતાના દિકરા ચંદ્રકાંતના ઉછેર અને શિક્ષણની ચિંતા તેમની મુંઝવણમાં વધારો કરી રહી હતી. આ સમય દરમિયાન શ્રીમતી શારદાબેનને રાજય સરકારની સ્‍પોન્‍સરશીપ યોજના વિશે જાણકારી મળતા તેમના જીવનમાં એક આશાનું કિરણ જાગ્‍યું.  આ યોજનાની જાણકારી મળતાં શ્રીમતી શારદાબેન સીધા પહોંચી ગયા આણંદ ખાતેની જિલ્‍લા બાળ સુરક્ષા કચેરી ખાતે અને યોજનાની જાણકારી મેળવી ફોર્મ ભરીને કચેરીમાં જમા કરાવી દીધું.

જિલ્‍લા બાળ સુરક્ષા કચેરીએ ફોર્મની ચકાસણી કરી તેમના પુત્ર ચંદ્રકાંતને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવવામાં આવ્‍યો જેમાં તે પાસ થતાં તેને એક વર્ષ સુધી ચિલ્‍ડ્રન હોમમાં રાખવામાં આવ્‍યો. જયાં રહીને તેણે ધો.૮નું શિક્ષણ મેળવ્‍યું. હાલમાં ચંદ્રકાંત આ યોજનાના લાભ થકી ચિખોદરા ગામમાં આવેલી એમ. એમ. એન્‍ડ સન્‍સ શાળામાં અભ્‍યાસ કરી રહ્યો છે.

સ્‍પોનસરશીપ યોજના હેઠળ શારદાબેનને દર મહિને રાજય સરકારના સમાજ સુરક્ષા વિભાગ તરફથી રૂા. ર૦૦૦/- (બે હજાર) ની સહાય ચૂકવવામાં આવે છે. જેનો ઉપયોગ શારદાબેન પુત્ર ચંદ્રકાંતના અભ્‍યાસ તેમજ ટયુશન ફી અને સ્‍ટેશનરીના ખર્ચ અને ઉછેર પાછળ કરી રહ્યા છે.

આ યોજના થકી ચંદ્રકાંત આજે ઉચ્‍ચ શિક્ષણ મેળવવાની સાથોસાથ પોતાનામાં રહેલી પ્રતિભાને ખીલવવાની તક મળી છે તેનો તે ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે અને શાળાની વિવિધ સ્‍પર્ધાઓ તેમજ પ્રવૃત્તિમાં ભાગ લઇને અવ્‍વલ સ્‍થાને આવવાની સાથોસાથ શિક્ષણમાં પણ સારૂં એવું પ્રદર્શન કરી રહ્યો છે. આ યોજનાનો લાભ મેળવી રહેલ ચંદ્રકાંત મકવાણાએ કહ્યું કે, આ યોજનાના કારણે આજે હું સારૂં શિક્ષણ મેળવવામાં સફળ થયો છું એટલું જ નહીં પણ હું ધો.૧૦ની પરીક્ષામાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યો છું અને મને પૂરો વિશ્વાસ છે કે, હું ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં મારૂં ધાર્યું શ્રેષ્‍ઠ પરિણામ હાંસલ કરીશ.  ચંદ્રકાંત મકવાણાએ વધુમાં સરકારની આ યોજના અને મારી મહેનતે મારામાં પ્રાણ પૂર્યો છે જેના કારણે આજે મારૂં ઉચ્‍ચ શિક્ષણ મેળવવાનું સ્‍વપ્‍ન સાકાર થવાની સાથે મારૂં જીવન અને કારકીર્દિ ઘડતર કરવા માટે આ યોજના મારા માટે આશીર્વાદ સમાન બની રહેશે તેમ જણાવી રાજય સરકાર પ્રતિ આભારની લાગણી વ્‍યકત કરી હતી.

આમ, રાજય સરકારની સ્‍પોન્‍સરશીપ યોજનાએ જિલ્‍લાના અને રાજયના અનેક આવા બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાની સાથે રાજયનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત રહેવા ન પામે તે માટેની પ્રતિબધ્‍ધતા દર્શાવે છે.

  • માહિતી બ્યુરો, આણંદ