આણંદ: નામચીન ઈલ્યાસ ઉર્ફે મચ્છીએ પૈસાની લેતી-દેતીમાં મિત્રની કરી હત્યા : તપાસ શરૂ…

શહેર પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે…

આણંદ શહેરની ગોપી ટોકિઝ સામે આવેલી ઈન્દરાનગરીમાં ૫મી તારીખના રોજ રાત્રીના સુમારે ગાળો બોલવાની બાબતે એક આદિવાસી યુવાનની થયેલી હત્યાની ઘટનાના પડઘા હજી તો સમ્યા નથી ત્યાં તો ગઈકાલે રાત્રીના સુમારે મેલડી માતા ઝુંપડપટ્ટી પાસે પૈસાની લેતીદેતી બાબતે એક યુવાનની છાતીમાં ગોળી ઘરબી દઈને કરપીણ હત્યા કરી દેવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. શહેર પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરની મેલડી માતા ઝુંપડપટ્ટીમાં રહેતો સંજયભાઈ શિવાભાઈ દેવીપુજક કપડાની ફેરી ફરીને જીવન ગુજરાન ચલાવતો હતો. તેને છેલ્લા કેટલાક સમયથી આણંદના ભાલેજ ઓવરબ્રીજ પાછળ આવેલી બીસ્મીલ્લા સોસાયટીના હઝરતપાર્કમાં રહેતા ઈલ્યાસ ઉર્ફે મચ્છી હમીદભાઈ શેખ સાથે પૈસાની લેતીદેતી બાબતે માથાકુટ ચાલતી હતી. આ અંગે અગાઉ પણ ઝઘડો થયો હતો અને ત્યારે પણ ઈલ્યાસ મચ્છી સંજય પર બરાબર ગુસ્સે ભરાયો હતો. દરમ્યાન ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે ઈલ્યાસ મચ્છી એક્ટીવા પર સવાર થઈને મેલડી માતા ઝુંપડપટ્ટી પાસે આવી ચઢ્યો હતો. જેથી સંજય, રોહિત ઉર્ફે બાઠીયો મહેશભાઈ દરબાર અને સલીમ રીક્ષાવાળો ત્યાં ગયા હતા જ્યાં ઈલ્યાસ મચ્છીએ સંજય સાથે પૈસાની બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. દરમ્યાન એકદમ ઉશ્કેરાઈ ગયેલા ઈલ્યાસ મચ્છીએ પોતાની પાસેની પીસ્ટલ કાઢી હતી અને તેને લોડ કરીને સંજયની છાતી સામે ધરી દઈને ફાયરીંગ કરી દેતાં સંજય ત્યાંજ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. એ સાથે જ ઈલાયાસ મચ્છી એક્ટીવા પર બેસીને ફરાર થઈ ગયો હતો.

આ તરફ રોહિત ઉર્ફે બાઠીયાએ તેના ઘરે જઈને જાણ કરતાં પરિવારના સભ્યો આવી ચઢ્યા હતા અને સંજયને તુરંત જ
નજીકની હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા જા કે ત્યાં તપાસીને સરકારી દવાખાનામાં લઈ જવાનું જણાવતાં જ રીક્ષામાં આણંદની એક ખાનગી હોસ્પીટલમા લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ આણંદ શહેર પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતક સંજયની લાશનો કબ્જા લઈને પીએમ માટે આણંદ નગરપાલિકા હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. ત્યારબાદ તેના પિતા શિવાભાઈની ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરીને ઈલ્યાસ મચ્છીને ઝડપી પાડવા તેના સંભવિત આશ્રયસ્થાનો ઉપર દરોડા અભિયાન હાથ ઘર્યું છે.