આણંદ જિલ્લા આરટીઓની સ્પેશિયલ ડ્રાઈવ : ગેરકાયદે ૬૩ જેટલી સ્કુલવાન રીક્ષાઓ ડીટેઈન કરાઈ…

રાજ્યના જુદા-જુદા જીલ્લાના આરટીઓ વિભાગ દ્વારા સ્કુલવાહનો પર ધોંસ બોલાવવાની શરૂઆત કરી હતી, જે બાદ આણંદ આરટીઓ દ્વારા શહેરમા ચાલતી સ્કૂલવાન, સ્કુલ રીક્ષા, અને સ્કુલ બસ સહિતના વાહનો પર વહેલી સવારથી તવાઈ બોલાવવાની શરૂઆત કરવામાં આવી, અને અનેક વાહનોને મોટાદંડના મેમો પણ ફટકારવામાં આવ્યા.

વહેલી સવારથી આણંદ આરટીઓ વિભાગ દ્વારા ઇન્સ્પેક્ટરોની જુદી-જુદી ટીમો બનાવી અને અલગ-અલગ શાળાઓ પાસે સ્કુલબાળકો લઈને આવી રહેલા વાહનો પર ધોંસ બોલાવવાની શરૂઆત કરી હતી. નિયત કરતાં વાહનોમાં વધુ બાળકો ભર્યા હોય અને આરટીઓના નિયમ મુજબના જે વાહનચાલકો પાસે કાગળો ના હોય તેવા સ્કુલવાન, સ્કુલ રીક્ષા અને સ્કુલ બસોને રોકીને તેવોને મોટાદંડના મેમો આપવામાં આવ્યા હતા.

આણંદ આરટીઓ અધિકારી પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, આણંદ શહેર સહિત જિલ્લામાં ટ્રાફીકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને નાના ભૂલકાઓની જીંદગીને જોખમમાં મુકતી ૬૩ જેટલી સ્કૂલવાન-રીક્ષાઓને આરટીઓએ છેલ્લા પાંચ દિવસમાં ડીટેઈલ કરી છે. ચાર દિવસ અગાઉ આરટીઓએ આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાંથી ૪૮ જેટલી ગેરકાયદે સ્કુલવાન ડીટેઈન કરી છે અને ચાલકો પાસેથી ૯૭,૭૦૦ નો દંડ વસુલ કર્યો હતો. તેમજ ગતરોજ પણ વધુ ૧૫ સ્કૂલવાન ડીટેઈન કરી ૬૨૦૦૦નો દંડ વસુલાયો હતો.