આણંદ ખાતે જિલ્લા-તાલુકાના ૧૩ શ્રેષ્ઠ શિક્ષકોનું પુરસ્કાર, સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું…

આણંદ : ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લીમીટેડના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પાઠકે તત્‍વચિંતક, રાજપુરૂષ, ભારતના દ્વિતીય રાષ્‍ટ્રપતિ ઉપરાંત દેશના શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે સમગ્ર દેશમાં જેમની ખ્‍યાતિ ફેલાયેલી છે તેવા શિક્ષણવિદ ડૉ. સર્વપલ્‍લી રાધાક્રિશ્નનને શિક્ષણના ઉમદા વ્‍યવસાયને જીવન અર્પણ કર્યું હતું તેવા મહાન શિક્ષકના જીવનમાંથી પ્રેરણા લઈ દેશની નૂતન પેઠીને વૈશ્વિક સ્તરે લઈ જવાની જવાબદારી આજના શિક્ષકોની છે.

આણંદના બાકરોલ ખાતે આવેલ બી.એ.પી.એસ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે આણંદ જિલ્‍લા-તાલુકાના ૧૩ શ્રેષ્‍ઠ શિક્ષકોનું શ્રી રાજેશભાઈ પાઠક સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્‍કાર, સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્યું હતું.

શ્રી રાજેશભાઈ પાઠકે,  આપણી ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણ અને શિક્ષકોની પરંપરા વર્ષોથી ચાલી આવી છે જેને આપણે આજદીન સુધી ટકાવી રાખી છે કારણ કે કોઈ પણ રાષ્ટ્રનું મુલ્યાંકન તેની સંપત્તિથી નહીં પરંતું તે રાષ્ટ્ર કેટલું શિક્ષિત છે તેના આધારે થતું હોય છે તેમ કહ્યું હતું.

શ્રી રાજેશભાઈએ સન્માન મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવી હાલમાં કોરોના વાઈરસના કારણે મહામારી જેવી સ્થિતિમાં બાળકોને ભણતરની આદત ન છૂટે તે માટે શિક્ષકો પોતાના પરિવારની કે પોતાના આરોગ્યની ચિંતા કર્યા વિના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસ અને જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ જેવી સુવિધા નથી તે લોકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેમને ધરે જઈને અભ્યાસ કરાવી રહ્યા છે તે શિક્ષકો દ્વારા કરવામાં આલી રહેલ શિક્ષણના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.

શ્રી રાજેશભાઈ પાઠકે સમાજનું ચારિત્ર્ય ઘડતર, સંસ્‍કારો અને સંસ્‍કૃતિનું રક્ષણ કરી નૂતન વિચારધારાઓને લઇ ગુરૂ-શિષ્‍ય અને વિદ્યાર્થીઓની આગવી પરંપરા જળવાઇ રહે તે માટે આગળ વધવા શિક્ષકોને કહ્યું હતું.

આ પ્રસંગે જિલ્‍લા-તાલુકા કક્ષાએ શ્રેષ્‍ઠ કામગીરી કરનાર ૧૩ શિક્ષકોનું ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પુરસ્‍કાર, સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્‍લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના ૯ શિક્ષકોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ગુજરાત ગૌરવદિન સ્પર્ધામાં આણંદ જિલ્લાને ગૌરવ અપાવનાર આઈ.બી. પટેલ સ્કુલની વિદ્યાર્થીની શિવાની,  બોચાસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શિલ્પા પરમારનું પ્રમાણપત્ર આપીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રારંભમાં જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી નિવોદિતાબેન ચૌધરીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. જયારે અંતમાં ડાયટના પ્રાચાર્ય શ્રી હિતેશભાઇ દવેએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નટવરસિંહ મહિડા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, જિલ્‍લા શિક્ષણાધિકારી શ્રી જી. ડી. પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ફતેસિંહ સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિનુભાઈ સોલંકી,
આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડા, જિલ્લાના રાજ્યના, જિલ્લાના અને તાલુકાના શિક્ષણ સંઘના હોદ્દેદારો, અગ્રણીઓ, અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.