આણંદ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો : ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારી

આણંદ : ‘હેવાન-નરાધમ-પિશાચ’ આ શબ્દો એવા લોકો માટે ઉચ્ચારવામાં આવે છે જેઓ પોતાની કાળી કરતુતોથી લોકોનું જીવન નરક સમાન બનાવી નાંખે છે. આણંદમાં પણ એક આવા નરાધમે સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી બાળકીને પિંખવામાં જરા પણ વિચાર કર્યો ન હતો. પરંતુ હવે આ નરાધમને તેની કાળી કરતુતની સજા મળી ગઇ છે. હવે કદાચ તેને પોતાની ભૂલ સમજાઇ હશે પરંતુ તેનો કોઇ મતલબ નથી. કારણ કે તેને એવી ભૂલ કરી છે જેને માફ કરવી અશક્ય છે.
આણંદના ખંભાતમાં એક સાડા ત્રણ વર્ષની માસુમ બાળકીને આ નરાધમે પીંખી નાંખી હતી. માત્ર આટલું તેના માટે કાફી ન હતું તો તેણે તે બાળકીની હત્યા પણ કરી નાંખી હતી. હવે દુષ્કર્મ અને મર્ડરના કેસમાં આ પાપીને કોર્ટે આકરી સજા સંભળાવી દીધી છે. આણંદ કોર્ટે ૪૪ વર્ષના આ નરાધમ આરોપી રાજેશને ફાંસીની સજા ફટકારી છે. આ વ્યક્તિએ ૨૦૧૭માં ૩.૫ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી.
ખંભાત પાસેના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના હતી. જ્યાં આરોપીએ બાળકીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરી નાંખી હતી. વર્ષ ૨૦૧૭થી બાળકીના પરિવારજનો આ પાપી વિરૂદ્ધ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. જેમાં આખરે તેમને ઇન્સાફ મળી ગયો છે. ખુબ જ લાંબા સમય બાદ ચુકાદો આવ્યો છે પરંતુ હવે તે બાળકીના પરિવારને આ આરોપીને ફાસીની સજા મળતા હાશકારો મળ્યો છે.