આણંદમાં ૨ બાયોડિઝલ પંપ પરથી ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો સીઝ કરી યુનિટ સીલ કરવામાં આવ્યા…

આણંદ : રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલના વેચાણને નિયંત્રણમાં લેવા માટે રાજય વ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલ અને જિલ્લા પોલિસ અધિક્ષક
શ્રી અજીત રાજીયનની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર વેચાણ થતાં બાયોડિઝલની તપાસ કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણીયાના માર્ગદર્શન હેઠળ આણંદ તાલુકામાં વઘાસી અને સારસા ખાતે મામલતદાર આણંદ ગ્રામ્ય શ્રી આર.બી. પરમાર તથા પી.એસ.આઇ. શ્રી એન. એમ. રામી અને તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વઘાસી ખાતે સુરતની હાઇબ્રિડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડના દિનેશભાઇ કાતરીયા દ્વારા બોલેરો પીકઅપવાનમાં પ્લાસ્ટીકની ટાંકીમાં ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ કરતાં હોવાની બાતમી મળી હતી. જેની સ્થળતપાસ કરતા અંડરગ્રાઉન્ડ ટાંકામાં ૨૦ હજાર લીટર બાયોડિઝલનો સંગ્રહ કરેલ હચો અને તેઓ દ્વારા સેફટી અંગેના ઘારા ઘોરણોનું પાલન કરતા ન હોવાનું તથા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું જણાઈ આવ્યું હતું.

જેથી તેમની પાસેથી રૂા ૧૩ લાખની કિંમતનો ૨૦ હજાર લીટર બાયોડિઝલનો જથ્થો, બાયોડિઝલ યુનિટ તેમજ અંદાજીત ૫ લાખ રૂપિયાની બોલેરો ગાડી જપ્ત કરી બાયોડિઝલનાં સેમ્પલ મેળવી એફ.એસ.એલ.માં વધુ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં છે.

આજ રીતે અન્ય એક કિસ્સામાં સારસા ખાતે શીવ બાયોડિઝલનાં સમીરભાઇ પંડિત ધ્વારા ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ કરતાં હોવાની બાતમી મળતા તેની પણ તપાસ કરવામાં આવી હતીં જ્યાં તેઓ દ્વારા સલામતી અંગેની ઘારા ઘોરણોનું પાલન કરવામાં આવતું ન હોઈ તથા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાથી શીવ બાયોડિઝલ સારસા ખાતેથી ૫,૧૭,૬૭૫/- ની કિંમતનો ૮૦૨૫ લીટર બાયોડિઝલનો જથ્થો સીઝ કરીને બાયોડિઝલ યુનિટને સીલ કરવામાં આવ્યું હતું તેમજ અંદાજિત ૮ લાખની રૂપિયાની કિંમતની ટેન્કર પણ જપ્ત કરવામાં તથા બાયોડિઝલનાં સેમ્પલ મેળવી વઘુ પરિક્ષણ અર્થે એફ.એસ.એલ., ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે.

આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતાં બાયોડિઝલનાં વેચાણની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પ્રતિનિધિ, મામલતદાર કચેરીના પ્રતિનિધિ, પોલીસ ઓઇલ માર્કેટીંગ કંપની (BPCL, HPCL, IOCL) ના પ્રતિનિધિ તથા GST કંપનીના પ્રતિનિધિની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. તથા બાયોડિઝલનાં જથ્થાનાં સેમ્પલ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી (એફ.એસ.એલ.) ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યાં છે. અને જો તેના રીપોર્ટમાં કોઇ વિસંગતતા જણાશે તો સબંધિત બાયોડિઝલ વેચાણ કરતા યુનિટ સામે સખતમાં સખત કાર્યવાહી હાથ ઘરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં કુલ ૧૬ જેટલા બાયોડિઝલ વેચાણ કરતા યુનિટની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૪ યુનિટમાંથી સેમ્પલ મેળવી વધુ પરિક્ષણ અર્થે એફ.એસ.એલ. ગાંધીનગરને મોકલવામાં આવેલ છે. તેમજ ૧૨ યુનિટ બંઘ માલુમ પડતા તેઓને કારણદર્શક નોટીસ આપી રૂબરૂ સુનાવણી રાખવામાં આવેલ છે.