આજે રામના નામે દિલ્હીમાં સરકાર છે, રામ મંદિર બનવું જ જોઇએ : શિવસેના

મુંબઇ,
શિવસેનાએ ફરીવાર પોતાના મુખપત્ર સામનામાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. સામનામાં કહેવામાં આવ્યુ કે, ભાજપ સરકાર પાસે હવે લોકસભામાં બહુમતી છે, જેથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવુ જોઈએ. જેમણે રામ મંદિરનો વિરોધ કર્યો છે તેમનું નામોનિશાન મટી ગયુ છે. આજે રામના નામે દિલ્હીમાં સરકાર છે. સામનામાં કહેવામાં આવ્યુ કે, અમિત શાહે પશ્વિમ બંગાળમાં જયશ્રી રામના નારા લગાવ્યા અને ભગવાન રામે બંગાળમાં કમાલ કરી બતાવી.

બંગાળની જનતાએ ભાજપને ૧૮ બેઠક પર જીત અપાવી છે. રામના વિરોધીઓને જનતાએ પાઠ ભણાવ્યા અને બંગાળની જનતાએ ભાજપને રસગુલ્લા ખવડાવ્યા.. સામનામાં વધુમાં કહેવામાં આવ્યુ કે, ઉત્તર પ્રદેશમાં બાબરી ભક્ત અખિલેશ અને માયાવતી એક થયા છે. બન્ને નેતાઓએ હંમેશા રામ મંદિરનો વિરોધ કર્યો છે. જેથી યુપીમાં સપા બસપાની મોટી હાર થઈ છે.