આજે ગુજરાતમાં ભાજપની દિવાળી, રૂપાણી બોલ્યા- ગુજરાત મક્કમ ભાજપ અડીખમ…

24

ગાંધીનગર : ગુજરાતમાં ભાજપ માટે દિવાળી જેવો દિવસ છે. તમામ ૬ મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. મનપાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. આવામાં ભાજપે આ ભવ્ય જીતના જશ્નની શરૂઆત કરી દીધી છે. અમદાવાદમા ખાનપુર ખાતે આવેલ ભાજપના કાર્યાલયમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જીત બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, સમગ્ર ૬ મહાનગરોના મતદારોનો આભાર માનું છું.
આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહિ. આવનારા દિવસોમાં ૬ મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહિ. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.
૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.