આજી ડેમમાં વાહનો ધોતા ૩૯ લોકોને દંડ ફટકારાયા

રાજકોટ શહેરમાં વસતા લોકો માટે પીવાના પાણીના સ્રોત પૈકી એક એવા આજી-૧ ડેમમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને જળ પ્રદૂષિત કરનારા લોકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સંબંધિત અધિકારીઓને અપાયેલી સૂચના અનુસાર તારીખ ૧૨-એપ્રિલથી ૧૫-એપ્રિલ સુધીમાં ૩૯ વાહન ચાલકો પાસેથી ડેમમાં વાહન ધોવા બદલ રૂ. ૮,૧૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આવશ્યક તમામ પગલાંઓ લેવામાં આવી રહયા છે. જાકે આમ છતાં જળાશયોમાં કે વોંકળાઓમાં અને સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કોઈ કોઈ લોકો કચરો ફેંકતા હોવાની હકિકત ધ્યાનમાં આવતા આ મામલે સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મહાનગરપાલિકાના સુરક્ષા શાખાનાં જવાનો દ્વારા આજી ડેમ સ્ત્રાવ વિસ્તાર સહિતના આજુબાજુના એરીયામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહયું છે.
મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું હતું કે, જળાશયમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને પાણી પ્રદૂષિત કરનારા લોકો પાસેથી રૂ. ૨૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી રહયો છે. આ ઉપરાંત વોંકળા કે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કચરો ફેંકી જળ પ્રવાહનો રસ્તો અવરોધતા લોકો પાસેથી પણ રૂ. ૨૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે.