આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સમગ્ર આણંદ જિલ્લાંમાં હથિયારબંધી…

આણંદ : હાલમાં દેશમાં કોરોના વાયરસ અંગે સરકારશ્રી તરફથી તમામ તકેદારીના પગલા લેમાં આવેલ હોઇ તેમજ હાલ રમઝાન માસ ચાલુ હોઇ આગામી દિવસોમાં રમઝાન ઇદનો તહેવાર આવતો હોઇ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે  અને જિલ્લામાં કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી પી.સી.ઠાકોરે સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭ (૧) હેઠળ તા.૨૬-૦૫-૨૦૨૦ સુધી સમગ્ર આણંદ જિલ્લામાં હથિયારબંધી ફરમાવવામાં આવેલ છે.

તદ્‌નુસાર, આ સમયગાળા દરમ્‍યાન હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક  ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્‍ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, મનુષ્‍યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બીભત્‍સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા, જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવા ઉપર તથા તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્‍લેકાર્ડ અથવા બીજા કોઇપણ ક્ષયકારી પદાર્થ કે વસ્‍તુ તૈયાર કરવા, બતાવવા કે તેનો ફેલાવો કરવા ઉપર સંપૂર્ણ પ્ર­તિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.

આ હુકમ સરકારી નોકરીમાં  કામ કરતી કોઇપણ વ્‍યક્‍તિ કે જેને તેના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્‍યું હોય અથવા જેની ફરજ હોય, જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી કે તેમણે અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશક્‍તિને કારણે લાકડી કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્‍યક્‍તિને લાગુ પડશે નહીં. આ  હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેવુ  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.સી.ઠાકોર દ્વારા એક યાદી માં જણાવવામાં આવ્યુ છે.